દાહોદ,
મતદાન કરવા આવેલા કેટલાક શ્રમજીવીઓ પોતાના પરિવાર સાથે ખાવાનું અનાજ, લોટ સાથે લઈ બાઈક ઉપર રવાના.
પ્રાપ્ત વિગતો મુજબ દેવગઢબારીયા અને ધાનપુર તાલુકા માં મોટાભાગના લોકો ખેતીવાડી અને પશુપાલન ઉપર જીવન ગુજારે છે. જેમાં ઘણા લોકો ખેતીવાડી નુ કામકાજ પૂરૂં કરી ધંધા રોજગાર માટે મોટા શહેરો માં કડિયા કામ, પ્લમ્બર, ચણતર પ્લાસ્ટર, સેન્ટરિંગ કામ સહિત બીજી મજૂરી કરવા માટે જતા હોય છે. અમુક લોકો કાઠિયાવાડ માં ખેતીવાડી નુ કામ કરતા હોય છે.
દેવગઢ બારીયા તાલુકો બહુ વર્ષો જૂનો તાલુકો છે. જેમાંથી ઘોઘંબા અને ધાનપુર તાલુકો અલગ અસ્તિત્વમાં આવેલ છે. ગુજરાત માં કોંગ્રેસની સરકાર હતી. ત્યારે દેવગઢ બારીયા તાલુકામાં આ બન્ને તાલુકાના ગામડા સમાવિષ્ટ હતા. જે સમયે પણ આ તાલુકામાં રોજગારી માટે કોઇ સ્ત્રોત સરકાર તરફથી ઉભા કરવામાં આવ્યા ના હતા. ગામડામાં રોડ રસ્તા અને પાણી અને આરોગ્યની સુવિધા પણ ના હતી. વર્ષો વીતી ગયા છતાંય તે સમયના નેતાઓએ ગામડાની જનતા માટે કઈ વિચાર્યું નહીં તેમ માની શકાય. સમય જતા ગામડામાં થોડો ઘણો વિકાસ થયો પણ લોકો માટે રોજગારીનો પ્રશ્ર્ન યથાવત રહ્યો. દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં શિક્ષિત બેરોજગારની સંખ્યા પણ ઘણી છે. જેમાં સ્નાતક કરતા વધારે ભણેલા પણ બહારગામ મજૂરી માટે જતા હોય છે.
દરેક ગામડામાં રોડ, રસ્તા પીવાનું પાણી અને સિંચાઈનું પાણી કુવા, બોર અને ચેકડેમ તથા પાઈપલાઈન મારફતે પાણી મળતા ખેડૂતો ઘણી જગ્યા એ બારેમાસ પણ ખેતી અને શાકભાજી કરી રહ્યા છે. જેના કારણે ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. પણ આર્થિક રીતે નબળી પરિસ્થિતિના મજૂરી વર્ગના લોકો હજુપણ બહારગામ મજૂરી કરવા જતા હોય છે. કારણકે સરકાર ની યોજના ઓ મળી તેનો લાભ લોકો લઈ રહ્યા છે પણ સ્થાનિક કક્ષા એ કોઇ મોટા ઔદ્યોગિક એકમ નહીં હોવાના કારણે આ વિસ્તારમાં રોજગારી નહીં મળતા પોતાના પરિવાર સાથે અહીંયાના શ્રમજીવીઓ મોટા શહેરો તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. કેટલાય શ્રમીકો પરિવાર સાથે બાઈક ઉપર પોતાનું રાશનપાણી અને સામાન લઈને જતા હોય છે. દેવગઢ બારીયા, ધાનપુર અને પીપલોદ બસ્ટેન્ડ ઉપર વહેલી સવારે અને સાંજના સમયે શ્રમીકો પોતાના બિસ્તરા પોટલાં અને નાના છોકરા લઈને બેઠા નજરે પડતા હોય છે.
મોટા શહેરોમાં મજૂરી કામમાં ગયેલા આ શ્રમીકો વિધાનસભા ચૂંટણીમાં પોતાનો મત આપવા માટે આવ્યા હતા અને પોતાના મત નુ પરિણામ જાણવા માટે ઘરે રોકાઈ ગયા હતા. હવે પરિણામો જાહેર થઈ ગયા અને હવે મજૂરીવર્ગ ફરીથી પોતાનું વતન છોડીને રોજીરોટી માટે બહાર જઈ રહ્યા છે.