દાહોદ, દે.બારીઆ બસ ડેપોના સમારકામ વિભાગની જુની પુરાણી દિવાલ ધરાશાયી થવા પામતા જવાબદાર એસ.ટી.વિભાગના તંત્રની બેદરકારી છતી થવા પામી છે. જોકે સદ્નસીબે વાહનો રૂટ પર નીકળી જતા કોઈ નુકસાન થવા પામેલ ન હતુ.
દાહોદ જિલ્લામાં ચોમાસુ ચાલુ થયાના માંડ બે-ત્રણ દિવસ થવા પામ્યા છે જેના કારણે નગરમાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા. કેટલાક જુના બાંધકામો ચોમાસાની ઋતુમાં ખતરા સમાન ભાસી રહ્યા છે. ત્યારે દે.બારીઆ બસ ડેપો ખાતે સમારકામ માટે વર્ષો અગાઉ વર્કશોપ બનાવવામાં આવ્યુ હતુ. જે મકાનનુ સમયાંતરે સમારકામ ન થવાના કારણે મોટો જાનહાનિ સર્જાતા બચી હતી. જવાબદાર તંત્ર દ્વારા વર્કશોપના મકાનનુ બાંધકામ થયા બાદ પુરતી ઘ્યાન ન આપી સમયસર સમારકામ કરવામાં ન આવેલ હોવાનુ જણાઈ રહ્યુ છે. દિવસ ભર બસો અને વર્કશોપના કર્મચારીઓથી ભરચક રહેતા મકાનમાં સદ્નસીબે આજે કોઈ હાજર ન હોય મોટી દુર્ધટના ટળી હતી.જોકે તમામ બસો પોતપોતાના રૂટ પર નીકળી ગઈ હતી. ત્યારે વર્કશોપની જુની દિવાલ ભેજના કારણે ધરાશાઈ થવા પામી હતી. સમય પર બસ કે કર્મચારી દિવાલથી દુર હોઈ મોટી જાનહાનિ ટળી હતી.