દાહોદ,દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી પીપલોદ પોલીસે એક ખાનગી એમ્બ્યુલંશ ફોર વ્હીલર ગાડીમાંથી રૂા. 1,18,310ના વિદેશી દારૂના જથ્થા સાથે કુલ રૂા. 5,21,310નો મુદ્દામાલ કબજે કરી એમ્બ્યુલન્સશ ગાડીના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
દેવગઢ બારીઆ તાલુકાની પીપલોદ પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ ભથવાડા ટોલનાકા પાસે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરી રહી હતી. તે સમયે બાતમીમાં દર્શાવેલ એક ખાનગી એમ્બ્યુલંશ ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીના ચાલક વિક્રમસિંહ લક્ષ્મણસિંહ દેવડા (રાજપુત) (રહે. મોડવા, મોડવા ફળિયા, તા.ગોગુંદા, જિ.ઉદેપુર, રાજસ્થાન) ની અટકાયત કરી ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. 285 જેની કિંમત રૂા. 1,18,310 તેમજ ગાડીની કિંમત મળી કુલ રૂા. 5,21,310નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ઉપરોક્ત ગાડીના ચાલક વિરૂધ્ધ પીપલોદ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ જિલ્લામાં વિદેશી દારૂ ઘુસાડવા માટે જિલ્લાને અડીને આવેલ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યના બુટલગર ઈસમો તેમજ ઠેકેદારો દ્વારા નવો કીમીયો અપનાવ્યો છે. જેમાં ખાનગી એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂ ભરી દાહોદ જિલ્લા સહિત આસપાસના જિલ્લાઓમાં વિદેશી દારૂ ઠાલવવામાં આવી રહ્યો છે. પોલીસે દ્વારા આવી જિલ્લામાંથી અવર જવર કરતી ખાનગી એમ્બ્યુલન્સનો વધુ તપાસ હાથ ધરવામાં આવે તો વધુ માત્રામાં વિદેશી દારૂ મળી શકે તેમ છે અને બુટલેગરોને પકડી પાડવામાં સફળતા મળે તેમ છે.