દે.બારીઆમાં પીવાનુ પાણી દુષિત આવતા નગરજનો પરેશાન

દે.બારીઆ શહેરમાં પાલિકા વિસ્તારમાં દરેક ધરે પાલિકા તંત્ર દ્વારા પીવાનુ પાણી નળ કનેકશન મારફતે પુરૂ પાડવામાં આવે છે. પાલિકાન દરેક વોર્ડ અને રહેણાંક વિસ્તાર સહિત સોસાયટી વિસ્તારમાં પણ પાણી સમયસર આપવામાં આવે છે. પરંતુ હાલ ચોમાસામાં વરસાદ વરસ્યા પછી જાણે કે વરસાદનુ પાણી પીવાના પાણીમાં ભળી ગયુ હોય તેમ ડહોળુ પાણી બે-ત્રણ દિવસથી પાલિકા વિસ્તારની તમામ પાઈપલાઈનમાં લોકોના ધરે પહોંચી રહ્યુ છે.

દે.બારીઆ શહેરમાં લોકોના ધરે પોતાના ખાનગી બોરસેટ હોય તેઓ પીવાનુ પાણી તેમાંથી ભરતા હોય છે. જયારે કેટલાય લોકો રૂ.30ના ભાવે મળતા પાણીના જગનુ ઠંડુ પાણી ધરે અથવા દુકાને મંગાવતા હોય છે. પણ જેમના પાસે આર્થિક કોઈ સગવડ ન હોય તેઓને પાલિકાના નળમાં આવતુ પીવાના પાણી ઉપર નિર્ભર રહેવુ પડતુ હોય છે. જે માટે મઘ્યમવગિય લોકો નળનુ દુષિત પાણી કપડા વડે ગાળીને ઉપયોગ કરવાની નોબત આવી છે.

પાલિકા વિસ્તારમાં દુષિત પાણી આવતુ હોવાની જાણ પાલિકાના જવાબદાર સીઓ અને પાણી પુરવઠા વિભાગને કરવા છતાં કોઈ સુધારો છેલ્લા બે દિવસથી કરાયો નથી. પાલિકા દ્વારા લગભગ 8 વર્ષથી લાખોના ખર્ચે પાનમ નદી કાંઠે વોટર ફિલ્ટર પ્લાન્ટ બનાવેલ છે. આ પ્લાન્ટ બન્યા પછી હવે ફિલ્ટર થયેલુ શુદ્ધ પાણી દરેકના ધરે મળશે તેવી નગરજનોમાં આશાઓ બંધાઈ હતી. પરંતુ એ વોટર ફિલ્ટર પ્લાન્ટનુ ઉદ્ધાટન થયા પછી કેટલા દિવસ પ્લાન્ટ ચાલ્યો તેની પણ કોઈને ખબર નથી જેને કારણે આજે નગરની જનતાને દુષિત પાણી પીવાનો વારો આવ્યો છે.