દે.બારીઆના મેન્દ્રા ગામે આશ્રમ શાળામાંથી ગુમ થયેલ 4 બાળકીઓ પોલીસે શોધી કાઢી પરિવારજનોને સોંપી

દે.બારીઆ,

દે.બારીઆ તાલુકાના મેન્દ્રા ગામે આવેલી આશ્રમ શાળામાંથી આઠથી નવ વર્ષની ચાર બાળકીઓ ગુમ થઈ જતાં શાળાના સ્ટાફ દ્વારા આસપાસના વિસ્તાર તેમજ ગામમાં તપાસ કરતા બાળકીઓ મળી ન આવતા બાળકીઓનુ અપહરણ થયુ હોવાનુ જણાતા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે અલગ અલગ દસ ટીમો બનાવી તપાસ હાથ ધરતા બાળકીઓ મળી આવતા આશ્રમનો સ્ટાફ તેમજ પરિવારજનો સહિત પોલીસે હાશકારો લીધો હતો.

મેન્દ્રા ગામે આવેલા અનુદાનિત નિવાસી પ્રાથમિક આશ્રમ શાળામાં એકથી આઠ વર્ગ આવેલા છે. આ આશ્રમશાળામાં દાહોદ તેમજ પંચમહાલના અલગ અલગ વિસ્તારના આંતરિયાળ ગામોના 89 છોકરાઓ તેમજ 65 છોકરીઓ મળી કુલ 154 વિધાર્થીઓ અહિં રહી અભ્યાસ કરે છે. તા.16મી એ રાત્રે આઠ વાગ્યે બાળકો પોતાના રૂમમાં સુવા જાય તે પહેલા હાજરી પુરતા 4 બાળકી વિનુ સરદાર બારીયા(ઉ.વ.10, ધો-5), મેનકા ગણપત બારીયા(ઉ.વ.9,ધો-3), રાજન સરદાર બારીયા(ઉ.વ.8, ધો-5)અને હિરલ રાજેશ બારીયા (ઉ.વ.8 ધો-2)હાજર જણાઈ આવી ન હતી. આ ચારેય બાળકીઓ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ઓટાળ ગામની રહેવાસી હોવાનુ જણાતા આશ્રમના સ્ટાફ દ્વારા પ્રથમ તેઓની આસપાસના વિસ્તાર સહિત ગામમાં શોધખોળ કરી હતી. પરંતુ બાળકીઓનો કોઈ પત્તો મળી આવ્યો ન હતો. આખરે આચાર્ય બાબુભાઈ ભીખાભાઈ પટેલે મોડીરાતે દે.બારીઆ પોલીસ મથકે જાણ કરતા પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. ચાર બાળકીઓ ગુમ થઈ હોવાની વાતને લઈ જિલ્લા પોલીસ વડા તેમજ એ.એસ.પી.પણ આશ્રમે પહોંચી ગયા હતા. પોલીસે એલ.સી.બી., એસ.ઓ.જી., ફર્લો સ્કવોર્ડની ટીમો સહિત અન્ય તાલુકાની પોલીસ પણ બોલાવી 10 જેટલી અલગ અલગ ટીમો બનાવી મેન્દ્રા ગામેથી પાવાગઢ તરફ દે.બારીઆ નગર તેમજ સાગટાળા વિસ્તાર સહિતના ગામોમાં તપાસ હાથ ધરવા સાથે સીસીટીવી ફુટેજની ચકાસણી હાથ ધરી હતી. દરમિયાન સવારે 8 વાગ્યે મેન્દ્રા ગામની નજીકમાં આવેલા ભુવાલ ગામે આ ચાર છોકરીઓ હોવાની પોલીસને જાણ થતાં પોલીસે ભુવાલ ગામે પહોંચી ચાર છોકરીઓનો કબ્જો મેળવી તેમને આશ્રમશાળા ખાતે પરત લાવી હતી. પોલીસે ચારેય બાળકીઓને તેમના પરિવારજનોને સોંપતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.