દે.બારીઆના હિન્દોલીયા ગામે નરેગા યોજનાના કામોમાં ગેરરિતીની ફરિયાદની તપાસ લોકપાલને સોંપાઈ

દે.બારીઆ, દે.બારીઆ તાલુકાના હિંદોલીયા ગ્રામ પંચાયતમાં નરેગા યોજના અંતર્ગતના કામોમાં મોટાપાયે ગેરરિતી આચરતા ગ્રામજનોની અનેક રજુઆતો આખરે સીએમઓ પોર્ટલ ઉપર રજુઆત કરતા લોકપાલને તપાસ સોંપાતા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

હિંદોલીયા ગ્રામ પંચાયતમાં નરેગા યોજના અંતર્ગત ચાર જેટલા જુના ચેકડેમ ઉંડા કરવા તેમજ જમીન સમતલ કરવાના કામોમાં ગેરરિતી આચરાઈ હતી. આ કામો પેટે રૂ.2,73,896ની રકમના કાગળ ઉપર પુર્ણ થયેલા હોવાનુ બતાવી ખોટા પુરાવા રજુ કરી રૂપિયા ઉપાડી લેતા સ્થળ ઉપર કોઈ કામ નહિ કર્યા હોવાનુ ગ્રામજનોના ઘ્યાને આવ્યુ હતુ. કેટલાક ગ્રામજનો દ્વારા ગેરરિતીને લઈ સ્થાનિક તાલુકા વિકાસ અધિકારીથી લઈ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સુધી લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા અને તે બાબતે યોગ્ય તપાસ હાથ ધરવામાં ન આવતા આખરે અરજદારો દ્વારા સીએમ પોર્ટલ ઉપર અરજી કરતા આ અરજીના અનુસંધાને દાહોદ જિલ્લાના નરેગા યોજનાની તપાસ તરીકે લોકપાલની નિમણુંક કરી છે તે લોકપાલને આ હિંદોલીયા ગ્રામ પંચાયતની નરેગા યોજનાની ગેરરિતીની તપાસ સોંપવામાં આવતા લોકપાલ દ્વારા હિન્દોલીયા ગામે તપાસ હાથ ધરી છે. આ નરેગા યોજના અંતર્ગતની કામગીરીમાં જીઆરએસ, ટેકનીકલ, એડબ્લ્યુએમ, તેમજ આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર સહિતના અધિકારીઓની દેખરેખ હેઠળ આ કામગીરી થતી હોય છે. આ ગેરરિતી બહાર આવતા આ ગેરરિતીમાં કેટલાક કર્મીઓની પણ સંડોવણી બહાર આવે તેમ જોવાઈ રહ્યુ છે.