ગુજરાત પોલીસ સાઇબર ક્રાઇમના નાથવા માટે પહેલાં કરતાં વધુ સુસજ્જ થઈ છે. તેના કારણે ૨૦૨૩માં સાઇબર ગુનેગારો પાસેથી ફક્ત ૧૮ ટકા જ રકમ વસૂલી શકેલી પોલીસ ૨૦૨૪માં ૪૭ ટકા સુધીની રકમ વસૂલવામાં સફળ રહી છે. આ બાબત ગુજરાત પોલીસની સાઇબર ક્રાઇમ સામે વધતી જતી સુસજ્જતા બતાવે છે. તાજેતરમાં, ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હજારો મયમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે.
સાયબર ક્રાઇમની તપાસમાં પીડિતોના સહયોગને કારણે અગાઉ લોક થઇ ગયેલા ૨૮,૦૦૦ બેંક ખાતાઓ હવે અનફ્રીઝ કરવામાં આવ્યા છે. બેંકખાતાઓ અનફ્રીઝ થવાથી પીડિતોને મોટી રાહત મળી છે. આ બાબત પર વધુ પ્રકાશ પાડતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમની અસરકારક તપાસના પરિણામે ૨૮ હજાર જેટલા બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે. આ પગલું એ પીડિતોને નોંધપાત્ર રાહત આપશે, જેઓ દગાખોરીથી પેમેન્ટ સ્વીકારીને છેતરપિંડીનો ભોગ બન્યા હતા અથવા તો અજાણતા આ પ્રકારની યુક્તિઓમાં ફસાઈ ગયા હતા.”
અટવાયેલી રહેલી રકમ તેમજ રિફંડની રકમ અંગેની માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, રિફંડની રકમ અને હોલ્ડ પર એટલે કે અટવાયેલી રકમમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. તેમણે જણાવ્યું કે ૨૦૨૪માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી ૪૬.૪૨% છે, જે ૨૦૨૩માં માત્ર ૧૭.૯૩% હતી. ૩૦ જૂન, ૨૦૨૪ સુધી હોલ્ડ પર રાખવામાં આવેલી કુલ રકમ ૧૧૪.૯૦ કરોડ છે અને ૨૦૨૪ માટે રિફંડ કરાયેલી રકમ ૫૩.૩૪ કરોડ છે. આ તફાવત દર્શાવે છે કે ઓથોરિટીએ સાયબર ક્રાઈમના પીડિતોને સમયસર રાહત મળે એ સુનિશ્ર્ચિત કરવા માટે સક્રિય પગલાં લીધા છે.
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની તેમની પોલિસીમાં પણ સુધારો કર્યો છે. નવી પોલિસી અસરકારક રીતે ગુના નિવારણ અને નિર્દોષ પક્ષો પર નાણાકીય બોજ ઘટાડવા વચ્ચે સંતુલન જાળવવા માટેનું એક મહત્વપૂર્ણ પ્રથમ પગલું છે, જે કુલ રકમને બદલે ખાતાના એ ભાગને ફ્રીઝ કરે છે જે છેતરપિંડીથી અસરગ્રસ્ત હોય. તેઓ હવે આખા અકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમને જ ફ્રીઝ કરશે. તેમણે જણાવ્યું હતું કે આ ફેરફારનો હેતુ મયમ-વર્ગની વ્યક્તિઓ પરના નાણાકીય તણાવને ઘટાડવાનો છે, જેઓ આખું બેંક અકાઉન્ટ લોક થઈ જવાના કારણે મોટી મુશ્કેલીનો સામનો કરે છે.
તેમણે ઉમેર્યું હતું કે, “મયમ-વર્ગના લોકો સાયબર ક્રાઈમના લીધે આર્થિક રીતે પ્રભાવિત થયા હતા અને અએકાઉન્ટ ફ્રીઝ થવાના કારણે તેઓ પોતાના ખાતામાં રહેલી રકમને મેળવવા માટે અસમર્થ હતા. હવે તેમના ખાતાઓ અનફ્રીઝ થઇ જવાના કારણે તેઓએ મોટી રાહત અનુભવી છે. આ પગલું એવા લોકો માટે ખરેખર રાહતદાયી છે જેઓ બહુ ધનવાન નથી અને મોટાભાગે રોજિંદા વ્યવહારો માટે તેમના બેંક ખાતાઓ પર આધાર રાખે છે.”
ઓથોરિટીએ વિનંતી કરી છે કે જેમને પણ એવું લાગતું હોય કે તેમના બેંક ખાતાઓ ભૂલથી ફ્રીઝ કરવામાં આવ્યા છે તેઓ સાયબર ક્રાઈમમાં તેમની બિન-સંડોવણી દર્શાવતા પુરાવા સાથે આગળ આવે. એક પછી એક કેસના આધારે આ ખાતાઓની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ આવા ખાતાઓને શક્યત: અનફ્રીઝ કરવામાં આવશે.