રાજકોટ, આપના મોબાઇલમાં આવતા અજાણ્યા નંબરના ફોન કોલ્સ ઉપાડતા પહેલા સાવચેત થઇ જજો. સાયબર ફ્રોડ કરનારાએ આ ફોન કોલ્સથી તમને છેતરી શકે છે. ગુજરાતમાં કોઇ એવી વ્યક્તિ નહિ હોય જેના મોબાઇલ ફોનમાં ફેક કોલ નહિ આવતા હોય, કોઇ સ્કિમના બ્હાને, કોઇ લોનના બ્હાને, કોઇ લાલચ આપીને તો ક્યારેક મદદના બ્હાને આપને ફોન આવે છે. અને તમને જાણ પણ ન હોય તે રીતે આપનું બેંક એકાઉન્ટ ખાલી કરી નાખે છે. રાજકોટ શહેરની વાત કરીએ તો દરરોજ ૮૦ જેટલી અરજીઓ સાયબર ફ્રોડમાં આવે છે. ગત વર્ષે ૩૫૦૦ જેટલી ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઇ હતી. જેમાં ૧૪.૫૦ કરોડની છેતરપિંડી થઇ હતી. આ વર્ષે અત્યાર સુધીમાં ૨૯૦૦ ફરિયાદ નોંધાઇ છે જેનો આંકડો ૧૬.૫૦ કરોડ સુધી પહોંચ્યો છે. આ આંકડા પરથી આપ સમજી શકો છો કે સાયબર ફ્રોડ કરનારાઓની જાળ કેટલે સુધી ફેલાયેલી છે અને તેઓ દરરોજ કેટલા રૂપિયાની ગોલમાલ કરે છે. આ આંકડાઓ માત્ર રાજકોટ શહેરના છે જ્યારે આ પરથી ગુજાતની સ્થિતિ સમજી શકાય છે.
રાજકોટમાં સાત મહિનામાં સાડા સોડ કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ છે. પોલીસના કહેવા પ્રમાણે આ છેતરપિંડીમાં રિકવરી આંક ૧૫ થી ૨૦ ટકા છે. એ પણ એવા કિસ્સાઓ કે જેમાં ફરિયાદીએ તાત્કાલિક અસરથી પોલીસને જાણ કરી હોય અને છેતરપિંડીના રૂપિયા કોઇપણ બેંકમાં હોય જેના કારણે ટ્રાન્ઝેકશન અટકાવી શકાય છે. અને આ રૂપિયા પરત મેળવી શકાય છે. જો કે આ એક દેશવ્યાપી મોટું નેટવર્ક છે.
સાયબર ક્રાઇમના એસીપી વિશાલ રબારીના કહેવા પ્રમાણે માત્ર ગુજરાત જ નહિ પરંતુ આખા દેશમાં સાયબર ફ્રોડ કરનારાઓની જાળ ફેલાયેલી છે. દેશના ઝારખંડાના ઝમતારા,દેવડા,બિહાર,દિલ્લી એનસીઆર,પશ્ર્વિમ બંગાળમાં સાયબર ક્રાઇમની ટોળકીઓ સક્રિય છે જે દેશભરમાં ઓનલાઇન છેતરપિંડી આચરે છે.પોલીસના કહેવા પ્રમાણે જ્યારે છેતરપિંડીની તપાસમાં બહારના રાજ્યનું પગેરૂં મળે તો ત્યાં આ ટોળકીને પકડવી લગભગ અશક્ય છે જેના કેટલાક કારણો છે.
૧.નકલી દસ્તાવેજોનો ઉપયોગ આ ટોળકી દ્રારા જે પણ મોબાઇલ કે ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે તેમાં નકલી દસ્તાવેજો રજૂ કર્યા હોય છે જેથી તેનું પરફેક્ટ લોકેશન જાણી શકાતું નથી, ૨.બેંક એકાઉન્ટમાં ખોટી માહિતી ૩.સ્થાનિક પોલીસનો અસહયોગ જો ક્યારેક પોલીસને કોઇ સચોટ માહિતી મળે અને તે માહિતીના આધારે બીજા રાજ્યમાં તપાસ માટે ટીમ જાય તો સ્થાનિક પોલીસનો સહયોગ મળતો નથી અને પરીણામે બહારના રાજ્યની પોલીસ હોવાથી પોલીસ પર હુમલાના પ્રયાસો થાય છે.