વડોદરાના ડભોઇમાં જૂથ અથડામણ: સામસામે લાકડી ને પાઇપોથી ફરી વળ્યાં, ૧૨ લોકો ઇજાગ્રસ્ત

વડોદરા, વડોદરાના ડભોઈમાં કડિયાનાડમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા અફરા તફરી મચી છે. આ અથડામણમાં ૧૨ લોકો ઘાયલ થયા છે. જેમાંથી ૫ જણાની હાલત ગંભીર છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ડભોઇ પોલીસે મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચીને સ્થીતી પર કાબુ મેળવ્યો છે. મામલો વધુ ન વણસે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ડભોઇના કડિયાવાડ વિસ્તારમાં નજીવી બાબતે મોડી રાત્રે થઈ જૂથ અથડામણ થઇ હતી. બે જૂથ બોલાચાલી બાદ લાકડી-પાઇપો લઇ સામ સામે આવી ગયા હતા. જેમાં મારામારીમાં ૧૨ લોકો ઇજાગ્રસ્ત થતા ઇજાગ્રસ્તોને વડોદરા અને ડભોઇ હોસ્પિટલમાં ખસેડાયા છે. ઇજાગ્રસ્ત ૧૨ લોકોમાંથી ૫ જણાની હાલત ગંભીર છે. સામાન્ય બાબતને લઇને ડભોઇના નગરપાલિકા ચાર રસ્તા પાસે એકાએક બે ટોળા સામસામે આવી ગયા હતા અને ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ બોલાચાલી ઉગ્ર બનતા મામલો વણસ્યો હતો અને બંને જૂથો એકબીજા પર તુટી પડ્યા હતા.

રસ્તા પર લોકોના ટોળેટોળા ઉમટી પડતા વાતાવરણ તંગ બન્યું હતું. આટલેથી નહી અટક્તા પથ્થરમારો થવા લાગ્યો હતો. આ પથ્થરમારામાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલાની જાણ થતાં જ પોલીસ કાફલો તેમજ સ્થાનિક ધારાસભ્ય તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિ થાળે પાડી હતી. ક્યા કારણોસર ઘટના બની તેની તપાસ પોલીસ કરી રહી છે. ઇજાગ્રસ્તોના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હોસ્પિટલમાં ઘાયલ થયેલા લોકોની સારવાર કરવામાં આવી રહી છે. ઇજાગ્રસ્તોને માથાના ભાગે વાગતા લોહી નીકળતા હતા. મામલો વધુ વણસે નહી તે માટે વિસ્તારમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. હુમલાખોરોને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.