પેરિસ : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ થવાને પગલે યુરોપના દેશોમાં સમાજમાં ધુ્રવીકરણ વધવાને પગલે આતંકવાદી હુમલા થવાનું જોખમ વધ્યું છે. જેના કારણે નાતાલની રજાઓમાં પેરિસમાં એફિલ ટાવરની નજીક આતંકી હુમલો થવાનું જોખમ હોવાનું ફ્રેન્ચ તપાસ અધિકારીઓએ જણાવ્યું છે.
યુરોપિયન યુનિયનના ગૃહ ખાતાના કમિશનર યેલ્વા જોહાનસને એક નિવેદનમાં જણાવ્યું હતું કે આગામી નાતાલની રજાઓમાં યુરોપિયન યુનિયનમાં આતંકી હુમલાઓ થવાનું જોખમ છે. જે વિસ્તારોમાં આ હુમલાઓ થવાનું જોખમ છે ત્યાં ૩૦ મિલિયન યુરોની વધારાની રકમ આપવામાં આવશે જેના વડે આ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવશે. ખાસ કરીને ધર્મસ્થળોમાં આ નાણાંકીય સહાય વડે સુરક્ષા પુરી પડાશે.
એફિલ ટાવર હુમલાના શકમંદ મિયાં દોઆબે હમાસ પ્રતિ તેની વફાદારીની કસમ ખાધી હતી. તેણે ૨૩ વર્ષના એક જર્મન ફિલિપિનો પર્યટકની ચાકુ મારી હત્યા કરી હતી અને અન્ય બે જણાંને હથોડાંથી ઇજા પહોંચાડી હતી. ૧૯૯૭માં જન્મેલાં ફ્રાન્સના નાગરિક મિયાં દોઆબે એફિલ ટાવર પાસે ૨૩ વર્ષના પર્યટક પર તાજેતરમાં હુમલો કરી તેની હત્યા કરી હતી. ઘટના બાદ ફ્રાન્સમાં ઇસ્લામી હુમલાઓના જોખમ બાબતે ચિંતા વ્યક્ત કરાઇ હતી. આ બધી બાબતો એવા સમયે બની રહી છે જ્યારે ૨૦૨૪ની સમર ઓલિમ્પિક આડે છ મહિના માંડ રહ્યા છે. ફ્રાન્સના ગૃહ પ્રધાન ગેરાલ્ડ ડોર્મિનેને જણાવ્યું હતું કે આ હુમલો સામાજિક વ્યવસ્થાની એક નિષ્ફળતા હતી. જાસૂસી સેવાઓની નજરે નહીં પણ એક મનોરોગીને ઓળખવામાં સમાજ નિષ્ફળ રહ્યો હતો. હુમલાખોરને ગંભીર માનસિક બિમારી હતી અને ડોક્ટરોએ ઘણીવાર જણાવ્યું હતું કે તે હવે સામાન્ય બની રહ્યો છે અને મનોરોગમાંથી મુક્ત થઇ શકે છે.