- ૧૫ ફેબ્રુઆરીએ મુંબઈના હોટલ સહારાની બહાર પૃથ્વી શો અને સપના ગિલની વચ્ચે મારામારી થઈ હતી.
નવીદિલ્હી,
સોશિયલ મીડિયા ઈન્લુએન્સર સપના ગિલ જેની ક્રિકેટર પૃથ્વી શો સાથે મારામારી અને રૂપિયાની માગણીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી તેને સોમવારે જામીન મળી ગયા છે. જામીન મળતાં જ સપનાએ પૃથ્વી અને તેના મિત્રો વિરૂદ્ધ મુંબઈમાં કેસ ફાઇલ કરાવ્યો છે. હથિયાર વડે હુમલો અને ગુનાહિત ષડયંત્રનો આરોપ લગાવ્યો છે. સપનાએ કહ્યું કે ઘટના દરમિયાન જ્યારે તે તેના મિત્રને બચાવવા ગઇ ત્યારે પૃથ્વીએ તેને ખરાબ ઈરાદે સ્પર્શ કર્યો હતો.૧૫ ફેબ્રુઆરીએ મુંબઈની હોટલ સહારા સ્ટાર બહાર સપના ગિલ અને પૃથ્વી શો વચ્ચે વિવાદ થયો હતો. તે પછી પૃથ્વી શોના મિત્ર આશીષ યાદવની ફરિયાદ હેઠળ સપના અને તેના ૩ મિત્રોની ૧૭ ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી.
આશીષે સપના ઉપર ૫૦ હજાર રૂપિયાની માગણી માટે ધમકાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. સપના અને તેના સાથીઓને મુંબઈ મેટ્રોપૉલિટન મજિસ્ટ્રેટની કોર્ટે ૨૦ ફેબ્રુઆરીએ જામીન આપી દીધા છે. રિપોર્ટ્સ પ્રમાણે, જામીન મળ્યા પછી સપનાએ કહ્યું- ૫૦ હજાર શું છે? એક દિવસમાં ૨ રીલ બનાવીને હું આટલું કમાઇ લઇશ.
જામીન મળ્યા પછી સપનાએ પૃથ્વી ઉપર ૩ આરોપ લગાવ્યા છે. જામીન મળ્યા પછી સપનાએ કહ્યું, શો અને તેના મિત્રો જે પ્રકારે મારા મિત્રોને મારી રહ્યા હતાં, તે જોઈને હું ત્યાં પહોંચી હતી. મેં તેમની પાસે ભીખ માગી કે મારા મિત્રોને મારશો નહીં .સપના ગિલે કહ્યું, આ ઘટના દરમિયાન પૃથ્વી શોએ મને ખરાબ ઇરાદે સ્પર્શ કર્યો હતો. જ્યારે અમે લોકોએ કહ્યું કે કેસ ફાઇલ કરીશું ત્યારે પૃથ્વી શોએ ભીખ માગી હતી. કહેવા લાગ્યો કે કોઈ ફરિયાદ કરશો નહીં. એટલે, તે સમયે અમે કેસ નોંધાવ્યો નહીં.સપનાએ કહ્યું, તે લોકોએ મારી ઉપર ૫૦ હજાર રૂપિયાની માગણીનો આરોપ લગાવ્યો છે. આજકાલ ૫૦ હજાર શું છે? હું તો બે રીલ બનાવીશ અને આટલાં રૂપિયા એક દિવસમાં કમાઇ લઇશ. આરોપનું પણ એક સ્તર હોય છે.
પૃથ્વી શોના મિત્ર આશીષ યાદવે કહ્યું હતું કે- ૧૫ ફેબ્રુઆરીએ સહારા સ્ટારના કેફેમાં તે અને પૃથ્વી શો ડિનર કરી રહ્યા હતાં. ગિલ અને તેના મિત્રો સેલ્ફી લેવા માટે આવ્યાં. પહેલાં પૃથ્વી માની ગયો અને પછી તેમણે ના પાડી દીધી. તે પછી વિવાદ શરૂ થયો. આશીષે ફરિયાદમાં કહ્યું કે- ડિનર પછી એક વ્યક્તિએ તેમની કારના વિન્ડ શિલ્ડ ઉપર બેસબોલ બેટ માર્યું. તે પછી થોડાં લોકો બાઇકથી કારનો પીછો પણ કરતા રહ્યાં. તેમણે કારને રોકી અને સપના ગિલે ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી. તેણે પૃથ્વી પાસે ૫૦ હજાર રૂપિયાની ડિમાન્ડ પણ કરી.
આ ઘટનાનો એક વીડિયો પણ વાઇરલ થયો. જેમાં પૃથ્વી એક યુવતી પાસેથી બેસબોલ છીનવી રહ્યા છે. તે યુવતીનો મિત્ર પૃથ્વીનો વીડિયો બનાવતો જોવા મળી રહ્યો હતો. વીડિયોમાં યુવતી, તેનો મિત્ર, પૃથ્વી અને થોડાં પોલીસ અધિકારીઓ જોવા મળી રહ્યા છે. પૃથ્વી કોઈ સાથે ફોન ઉપર વાત કરતો જોવા મળી રહ્યો હતો. વિવાદ પછી ઓશિવારા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને પક્ષને સમજાવ્યા હતાં. તે પછી પૃથ્વીના મિત્રોએ સપના અને તેના મિત્રો વિરૂદ્ધ કેસ ફાઇલ કર્યો હતો.