પાડોસી દેશ બાંગ્લાદેશમાં વડાપ્રધાન પદ માટેની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. શેખ હસીના સતત પાંચમી વખત વડાપ્રધાન બનવામાં સફળ રહ્યા છે. તેમની પાર્ટી અવામી લીગ તરફથી આ વખતે ઓલરાઉન્ડર ક્રિકેટર શાકિબ અલ હસન પણ મેદાનમાં ઉતર્યો હતો. અહીં તેને સફળતા મળી છે. જો કે, સાંસદ બનતાની સાથે જ બાંગ્લાદેશી કેપ્ટન નવા વિવાદમાં ફસાતો નજર આવી રહ્યો છે.
શાકિબ અલ હસનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શાકિબ એક જાહેર કાર્યક્રમમાં પોતાના એક ચાહકને થપ્પડ મારતો નજર આવી રહ્યો છે. આ ઘટના ત્યારે બની હતી જ્યારે શાકિબ સંસદીય ચૂંટણીમાં એક સીટ માટે ચૂંટણી લડી રહ્યો હોવાથી એક બૂથમાં કાર્યવાહીનું નિરીક્ષણ કરવા માટે ગયો હતો તે દરમિયાન આ ઘટના ઘટી હતી. આ દરમિયાન તેમને મળવા માટે ક્રિકેટ પ્રેમીઓની મોટી ભીડ ઉમટી પડી હતી. આ વચ્ચે એક ચાહકે પાછળથી તેના હાથને પકડવાનો પ્રયત્ન કર્યો. આ બાબત તેને પસંદ ન આવી અને તેણે કંઈ પણ વિચાર્યા વગર જોરદાર થપ્પડ મારી દીધી.
શાકિબ ખૂબ ઉગ્ર સ્વભાવનો માણસ છે. તેણે અનેકવાર ચાલુ મેચ દરમિયાન મેદાન પર પોતાનો ગુસ્સો બતાવ્યો છે. બાંગ્લાદેશમાં ડોમેસ્ટિક ક્રિકેટ રમતી વખતે એક મેચમાં જ્યારે અમ્પાયરે તેની અપીલ પર બેટ્સમેનને આઉટ ન આપ્યો તો તેણે સ્ટમ્પને લાત મારીને ઉખાડી નાખ્યા હતા.