બરનાલા, પંજાબના બરનાલામાં ડેપ્યુટી કમિશનરની ઓફિસ અને નિવાસની બહાર ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લખવામાં આવ્યા છે. એટલું જ નહીં ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં યોજાનારી ક્રિકેટ વર્લ્ડ કપની મેચને લઈને પણ મોટી ધમકી આપવામાં આવી છે. વન વિભાગ અને સીએમ ભગવંત માનના સત્તાવાર બેનરો પર ખાલિસ્તાન તરફી નારા પણ લખવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની શીખ ફોર જસ્ટિસ દ્વારા કરવામાં આવી છે.
આ અંગે ગુરપતવંત પન્નુએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે. પન્નુએ આ વીડિયોમાં ભારતમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપને રોકવાની પણ ધમકી આપી છે, જેમાં કેનેડામાં માર્યા ગયેલા ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરના મોતનો બદલો લેવાનું કહેવામાં આવ્યું છે. ખાલિસ્તાનનાં સૂત્રો લખાયા બાદ તરત જ બર્નાલા વહીવટીતંત્ર એક્શનમાં આવી ગયું.
સવાર પડતા પહેલા જ જ્યાં ખાલિસ્તાનના નારા લખવામાં આવ્યા હતા તે જગ્યાઓ પર રંગ લગાવવામાં આવ્યો હતો. ડીસી ઓફિસ અને નિવાસસ્થાનના બોર્ડને સફેદ કલર કરવામાં આવ્યો છે. સાથે જ વન વિભાગની દીવાલ પર લખેલું છે કે “અહીં ફૂલ તોડવાની મનાઈ છે”. એક જગ્યાએ લખ્યું છે “અહીં પેશાબ કરવાની મનાઈ છે.” જ્યારે વન વિભાગના બોર્ડ પર આજે પણ ખાલિસ્તાન ઝિંદાબાદ લખાયેલું છે.