ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે અને રોજ ઘણા રેકોર્ડ બને છે અને જૂના રેકોર્ડ તુટે છે ત્યારે ક્રિકેટ ઈતિહાસમાં પહેલા ક્યારેય પણ બન્યા ન હોય તેવા શરમજનક રેકોર્ડ પણ સર્જાતા હોય છે. આવો જ એક રેકોર્ડ પાકિસ્તાનની ટીમના નામે નોંધાયો છે જે ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર બન્યો છે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાની ટીમે ત્રણ ટેસ્ટ મેચ સીરિઝમાં પેહલી ટેસ્ટ મેચ 360 રનથી જ્યારે બીજી ટેસ્ટ મેચ 79 રનથી જીતીને પહેલા જ ટેસ્ટ સીરિઝ પર કબજો કરી લીધો છે.
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ સીરિઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શરુઆત જ ખરાબ રહી હતી અને ઈનિંગની બીજી જ ઓવરમાં બંને ઓપનર શૂન્ય રન પર પેવેલિયન ભેગા થઈ ગયા હતા. આ સાથે જ પાકિસ્તાનની ટીમના નામે શરમજનક રેકોર્ડ પણ જોડાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયા સામે બેટિંગ કરતા પાકિસ્તાન ટીમે પ્રથમ ઓવરમાં જ ઓપનર અબ્દુલા શફીકને મિચેલ સ્ટાર્કે શૂન્ય રન પર આઉટ કર્યો હતો. આ પછી તરત જ બીજી જ ઓવરમાં ડેબ્યૂ કરી રહેલા અયૂબને જોશ હેઝલવુડે શૂન્ય રન પર આઉટ કર્યો હતો. આ સાથે જ ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે જ્યારે નવા કેલેન્ડર વર્ષની પહેલી ટેસ્ટ મેચની શરુઆતમાં જ બંને ઓપનિંગ બેટર શૂન્ય રન પર આઉટ થયા હોય. આજથી આ રેકોર્ડ હવે પાકિસ્તાનના નામે નોંધાઈ ગયો છે.
આ અગાઉ પણ પાકિસ્તાન ટીમ સાથે એક શરમજનક રેકોર્ડ નોંધાયો હતો જેમાં પહેલી બે વિકેટ સ્ટમ્પિંગ દ્વારા પડી હતી. કરાચીમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ઓપનર અબ્દૂલ્લાહ શફીક એજાજ પટેલના બોલ પર સ્ટમ્પિંગ થયો હતો જ્યારે ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા શાન મસૂદ માઈકલ બ્રાસવેલના બોલ પર સ્ટમ્પ આઉટ થયો હતો. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં કોઈ ટીમની પહેલી બે વિકેટ સ્ટમ્પિંગ દ્વારા પડી હોય તેવી પ્રથમ ઘટના બની હતી.