ક્રિકેટના ઝઘડામાં યુવકનું ફાયરિંગ, 4ને ઈજા:પલસાણાના તુંડી ગામે EX.આર્મીમેનના પુત્રએ બાર બોર બંદૂકથી સોસાયટીમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું

સુરત જિલ્લાના પલસાણાના તુંડી ગામે દ્વારકેશ સોસાયટીમાં ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થયો હતો, જે બાબતે 15-20 લોકોએ એકસાથે EX આર્મીમેનના ઘર પર હુમલો કર્યો હતો. જેથી EX આર્મીમેનના પુત્ર વિકાસે ઘરમાંથી બાર બોરની બંદૂક લાવી એકાએક એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેથી સુરત જિલ્લા પોલીસ દોડતી થઇ હતી.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તુંડી ગામે ગતરાત્રિ(29 ડિસેમ્બર)ના રોજ ફાયરિંગની ઘટના બની હતી. તુંડી ગામે આવેલી દ્વારકેશ સોસાયટીમાં ક્રિકેટ રમતી વેળાએ બબાલ થતા કેટલાક લોકોનું ટોળું EX આર્મીમેન અને સિક્યોરિટી ગાર્ડની એજન્સી ચલાવતા રામનરેશસિંગ તોમરના ઘરે આવી ગયું હતું. બબાલ ઉગ્ર બનતા EX આર્મીમેનનો પુત્ર વિકાસ ઘરમાંથી બાર બોર બંદૂક લઈને આવી ગયો હતો અને અચાનક જ એક રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું.

એક રાઉન્ડ ફાયરિંગને લઇને ચાર જેટલા લોકોને ઈજાઓ થતાં નાસભાગ મચી જવા પામી હતી. ઇજાગ્રસ્તોને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ પલસાણા પોલીસને કરવામાં આવતા પલસાણા પોલીસ મથકના પીઆઈ વી. એલ. ગાંગિયા સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. પલસાણા પોલીસે બન્ને પક્ષોનાં નિવેદનો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે ફાયરિંગ કરનારના પિતા રામનરેશસિંહ તોમરે જણાવ્યું કે મારા ઘર પર 15-20 લોકોએ એકસાથે હુમલો કર્યો હતો. જે ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. આ ઘટનામાં મારા પુત્રને માર માર્યો હતો. જે હાલમાં ઈજાગ્રસ્ત છે, તેણે ફક્ત પોતાના બચાવ માટે હથિયાર બતાવ્યું હતું, જે તે લોકોએ છીનવી લીધું હતું અને તેમણે જ ફાયરિંગ કર્યું હતું, જેથી મારા પુત્રને પણ ગોળી વાગી છે, મારું હથિયાર છીનવી લીધું છે, જે બાબતે હું હવે ફરિયાદ નોંધાવીશ, હું અત્યારે બહાર હતો ને ઘટનાની જાણ થતાં જ હું અહીં પહોંચ્યો છું, આ ઘટનામાં મારી પુત્રીને પણ ઈજાઓ પહોંચી હતી. હુમલો કરનાર લોકો નશાની હાલતમાં હતા, જેઓએ મારા ઘરને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.

આ ઘટનામાં ઈજાગ્રસ્તે જણાવ્યું કે હું અને મારો ભાઈ બન્ને ત્યાં સોસાયટીમાં હતા, ત્યારે લોકો ઓટો અને ઘણાં બધાં બાઈકો લઈને સોસાયટીમાં દંડા વગેરે લઈને પહોંચ્યા હતા. જેમાં ત્રણ-ચાર મહિલાઓ અને ઘણાબઘા પુરુષો હતા જે નશાની હાલતમાં હતા, તે બધા જોરથી બૂમાબૂમ કરવા લાગ્યા હતા, જ્યારે મારા ભાઈએ જવાબ આપતા ઝઘડો થવા લાગ્યો હતો. જેથી તે લોકો મારા ભાઈને મારવા લાગ્યા હતા. તેને બચાવવા માટે બીજા બે-ત્રણ છોકરા વચ્ચે પડ્યા તો, તેમને પણ મારવા લાગ્યા, જેથી મારા ભાઈને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું.

તેણે વધુમાં જણાવ્યું કે મારા ભાઈએ ઘરમાંથી ડરાવવા માટે બંદૂક કાઢી હતી. જે બાદ લોકોનાં ટોળાએ ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી ઝપાઝપીમાં તે લોકોનાં ટોળામાંથી કોઈએ બંદૂક છીનવી લીધી હતી અને ફાયરિંગ કર્યું હતું. જેથી મને, મારા ભાઈ અને મામાને ઈજાઓ પહોંચી છે, બાદમાં તે દંડાથી અને ઈંટો વડે મારવા લાગ્યા હતા. આ ઘટનામાં અમારા ત્રણ લોકોને ઈજાઓ પહોંચી છે. આ લોકો શ્રીક્રિષ્ના સોસાયટીમાંથી 30થી 40 લોકો આવ્યા હતા, તેમાંથી જ કોઈએ ફાયરિંગ કર્યું હતું.

સરદાર સ્મારક ઈમર્જન્સી હોસ્પિટલના ડો. કિશને જણાવ્યું કે, પલસાણાના તુંડી ગામે સાંજે 7 વાગ્યાની આજુબાજુના સમયે ઝઘડો થયો હતો, એના ગનશોટ ઈન્જરીના ચાર પેશન્ટ અહીં આવ્યા છે, જેમાં દર્દી માયાબેનના પેટના ભાગે મોટો ઘા છે, તેમનો રિપોર્ટ કરી અહીં દાખલ કરાયા છે અને આગળની સારવાર માટેની તૈયારીઓ અમે કરીએ છીએ. EX-રેમાં મેટલ જેવું કાંઈક દેખાઇ રહ્યું છે, હવે આ બાબતે એક્સપર્ટ ઓપિનિયન સર્જન આપશે.