ગોધરા,ગોધરા શહેર એ-ડીવીઝન પોલીસ મથકમાં પી.આઈ. તરીકે ફરજ બજાવી ચુકેલા અધિકારી અને પોલીસ મથકના ક્રાઈમ રાઈટર સામે ફરજમાં બેદરકારી અને ગોધરા કોર્ટના હુકમનો અનાદર કરવા તેમજ કોર્ટ દ્વારા શો કોઝ નોટિસ આપવા છતાં તેનો કોઈ જવાબ નહિ આપતા ગોધરા કોર્ટે બંને સામે ગુનાની ફરિયાદ દાખલ કરી ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યુ છે.
ગોધરાના ચીફ જયુડિ.મેજી.કોર્ટમાં ચાલી રહેલ ક્રિમીનલ કેસમાં પોલીસે તપાસમાં કબ્જે કરેલ મુદ્દામાલ કોર્ટમાં રજુ કરેલ ન હોવાથી કોર્ટે ગોધરા ટાઉન એ-ડીવીઝન પોલીસ મથકના પી.આઈ.ને મુદ્દામાલ રજુ કરવા તા.24/03/23ના રોજ યાદી કરેલી હતી. તેની મુદ્દત તા.11 એપ્રિલ હતી. પરંતુ તે તારીખે પણ સાંજ સુધી પોલીસ દ્વારા કોઈ મુદ્દામાલ રજુ કરાયો ન હતો. અને સાંજે 4.30 કલાકે હેડ કોન્સ્ટેબલ કોર્ટમાં હાજર થયેલ અને મુદ્દામાલ અગાઉના ક્રાઈમ રાઈટર હેડ દ્વારા જમા લીધેલ હોઈ શોધખોળ ચાલુ હોઈ મુદ્દામાલ મળ્યેથી રજુ કરાશે. તેવો રિપોર્ટ પી.આઈ.ગોધરાની સહીવાળો રજુ કર્યો હતો.તેથી એ ડીવીઝનના પી.આઈ.અને ક્રાઈમ રાઈટરને અદાલતે ફરજમાં બેદરકારી દાખવવા અને મુદ્દામાલ ગુમ કરીને આરોપીઓને લાભ કરાવતા હોવાથી તેમની સામે ગુનો કેમ દાખલ ન કરવો અને તેમની સામે સીઆરપીસી ની કલમ 345 મુજબની ફોજદારી કાર્યવાહી કેમ ના કરવી તેનો ખુલાશો તા.15 સુધીમાં કોર્ટે રૂબરૂ હાજર રહી કરવા બાબતની શો કોઝ નોટિસ આપી હતી. પરંતુે તા.15મી એ પણ પી.આઈ.કે રાઈટર કોર્ટમાં હાજર નહિ રહેતા ગોધરાના ચીફ જયુડિ.મેજી.જીગ્નેશ ગીરીશભાઈ દામોદ્રાએ બંનેને નોટિસનો કોઈ ખુલાસો કરવો નથી તેમ માનીને એ ડીવીઝનના પી.આઈ.પલાસ અને તા.11/04/2023ના રોજ મુદ્દામાલ સંભાળનાર ક્રાઈમ રાઈટર સામે ફોજદારી કાર્યવાહી કરી ફરજમાં બેદરકારી અને કોર્ટના હુકમનો અનાદરના ગુનાની ફરિયાદ દાખલ કરી ધરપકડ વોરંટ કાઢતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.