કોર્ટે આરોપીઓની જેલ ટ્રાન્સફરની અરજી ફગાવી,ભાવનગર ડમીકાંડ: યુવરાજસિંહ સહિત તમામ આરોપીઓ ભાવનગરની જેલમાં રહેશે

ભાવનગર,ભાવનગરના ડમીકાંડમાં તોડકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. તોડકાંડના આરોપીઓની જેલ ટ્રાન્સફરની અરજીને નામંજૂર કરવામાં આવી છે. આરોપીઓની અરજી નામંજૂર કરવામાં આવતા હવે આરોપીઓ ભાવનગરની જેલમાં જ રહેશે. તોડકાંડના આરોપીઓ યુવરાજસિંહ, શિવુભા, કાનભા, બિપિન ત્રિવેદી, ઘનશ્યામ અને અલ્ફાઝ સાથે જેલમાં અણબનાવ ન બને તે માટે જેલ ટ્રાન્સફરની માંગ સાથે પ્રશાસન દ્વારા અરજી કરવામાં આવી હતી. અરજીમાં તોડકાંડના ૬ આરોપીઓને અન્ય જેલમાં ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે, આ અરજીને ભાવનગર ફાસ્ટટ્રેક કોર્ટના એડિશનલ જજે ફગાવી દીધી છે.

તોડકાંડને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ બાદ દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આ મામલે યુવરાજસિંહ પર ગંભીર આક્ષેપ લગાવનાર બિપિન ત્રિવેદીએ વધુ એક મોટો ભાંડો ફોડ્યો છે. બિપિન ત્રિવેદીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, યુવરાજસિંહે ડમીકાંડમાં કેટલાક નામ જાહેર ન કરવા માટે મોટો તોડ કર્યો હતો. યુવરાજસિંહ, બિપિન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા તોડબાજી કરતા હતા. આ કામમાં યુવરાજસિંહના સાળા કાનભા અને શિવુભા પણ મદદ કરતા હતા. બિપિન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા વચેટિયા બની રૂપિયા ઉઘરાવતા હતા. જેમાંથી બિપિન ત્રિવેદી અને ઘનશ્યામને ૧૦ ટકા કમિશન મળતું હતું. બંને વચેટિયા કમિશન વધારવાની માંગ કરતા હતા. જોકે, યુવરાજસિંહે વધુ કમિશન ન આપતા બિપિને ભાંડો ફોડ્યો હતો.

આપને જણાવી દઈએ કે, પોલીસને યુવરાજસિંહ વિરુદ્ધ પુરાવા મળ્યા છે. જે મુજબ યુવરાજસિંહ જાડેજાએ ગાંધીનગરના દહેગામમાં પોતાના સસરાના નામે પ્લોટ ખરીદ્યો હતો. દહેગામમાં યુવરાજસિંહના પત્ની શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પત્ની દહેગામમાં રહેતી હોવાની યુવરાજસિંહે પ્લોટ ખરીદ્યો હોવાની આશંકા છે. પ્લોટ ખરીદવા માટે યુવરાજસિંહે બિલ્ડરને ૧૩ લાખ રૂપિયા આપ્યા હતા. બિલ્ડર સાથે કરેલા વ્યવહારની ડાયરી પોલીસને મળી છે.

બિપિન ત્રિવેદીએ એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે સણસણતા આરોપો લગાવતા જણાવ્યું હતું કે, ડમીકાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે. તેણે વીડિયોમાં જણાવ્યું હતું કે, ‘પ્રદીપ નામના વ્યક્તિએ મને જણાવ્યું હતું કે યુવરાજસિંહ વારંવાર મારું નામ લે છે, જેના કારણે પોલીસ મારા ઘરે આવે છે. જેથી તમે વાત કરો. આ અંગે મેં યુવરાજસિંહને વાત કરી હતી. જે બાદ મેં પ્રદીપ અને ઘનશ્યામ ભાઈ, શિવુભા અને યુવરાજ સિંહે એક મીટિગ કરી હતી. જે બાદ મારે ૨ વાગ્યે લેક્ચર હોવાથી હું ત્યાંથી નીકળી ગયો હતો. લેક્ચર પૂરો થયા પછી મને જાણવા મળ્યું કે આ ડીલ ૫૫ લાખમાં થઈ હતી. આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા-જુદા ત્રણ તબક્કામાં ગયા. આ વખતે હું સાથે નહોતો. આમાં હું ક્યાંય સામેલ નહોતો. મેં ઘનશ્યામ ભાઈને કીધું કે આમાં મને ક્યાંય સામેલ કરતા નહીં, આ બધું લાંબુ ચાલે. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના ૨ સાળા આ ડીલમાં સામેલ હતા.’

ડમીકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને ભાવનગર પોલીસે ૧૯ એપ્રિલે ૧૨ કલાકે પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું જે બાદ યુવરાજસિંહે તબિયત નાદુરસ્ત હોઈ સમય માગ્યો હતો. જે મામલે યુવરાજસિંહ જાડેજાના પત્નીએ ટ્વિટમાં કરી જણાવ્યું હતું કે, ‘યુવરાજસિંહના સતત વધતા જતા ઉજાગરા, પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશનને કારણે તબિયત અચાનક લથડી હતી. ત્યારે તેઓએ ર્જીંય્ સમક્ષ તપાસમાં સહયોગ કરવા અને જવાબ રજૂ કરવા માટે ભાવનગર ર્જીંય્ને મેઈલ કરીને લેખિતમાં સમય માંગ્યો. જે બાદ પોલીસ સમય આપી ફરીથી ૨૧ તારીખનો સમન્સ પાઠવ્યો હતો.