ઇરા ખાન અને નુપુર શિખરે ફરીથી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યા બાદ બંનેએ ઉદયપુરમાં ફરી લગ્ન કર્યા. આ વખતે તેણે ક્રિશ્ચિયન રિવાજો અનુસાર લગ્ન કર્યા. એ વાત તો જાણીતી જ છે કે છેલ્લા ઘણા દિવસોથી તેના લગ્નના ફંક્શન્સ ચર્ચામાં છે અને આ માટે કપલનો આખો પરિવાર ઉદયપુર પંહોચ્યો હતો જેમાં આમિર ખાન પરિવારની બંને પૂર્વ પત્નીઓ, પુત્રો જુનૈદ અને આઝાદનો સમાવેશ થાય છે. તેમના લગ્નના ફંક્શનની તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે.
આમિર ખાનની પુત્રી ઇરા ખાને ઉદયપુરમાં પરિવાર અને મિત્રો વચ્ચે નુપુર શિખરે સાથે લગ્ન કર્યા હતા અને હવે તેમના ક્રિશ્ચિયન વેડિંગની ઝલક સામે આવી છે જેમાં નવવિવાહિત કપલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. હાલ એ લગ્નનો વિડીયો વાયરલ થયો છે જેમાં સફેદ ગાઉનમાં ઇરા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેમજ નૂપુર શિખરે બો ટાઈ સાથે ગ્રે રંગનો ફોર્મલ સૂટ પહેરેલ જોવા મળ્યો હતો.
ક્લિપમાં જોઈ શકાય છે કે કપલ ચાલતા આવે છે ત્યારે ત્યાં હાજર મિત્રો અને પરિવારના સભ્યોએ તેમના પર ફૂલોની વર્ષા શરૂ કરી દીધી હતી. આ દરમિયાન દુલ્હનના પિતા આમિર ખાન ભાવુક થતાં પણ જોવા મળ્યા અને તેમના આંસુ લૂછ્યા હતા. આ સિવાય પણ લગ્નના ઘણા વિડીયો વાયરલ થયા છે. ઇરા ખાન અને નુપુર શિખરે તેમના ક્રિશ્ચિયન લગ્ન પછી એકબીજા સાથે ડાન્સ કરતાં પણ જોવા મળ્યા હતા.
આમિર ખાનની પુત્રીના લગ્નના જે વીડિયો સામે આવ્યા છે તેના પર ચાહકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. આમિર ખાનના ચાહકોએ બંનેને લગ્ન માટે શુભેચ્છા પાઠવી છે. જો કે, કેટલાક લોકો એવા છે જેઓ બંનેને તેમના ક્રિશ્ચિયન વેડિંગ પર ટ્રોલ કરતા જોવા મળ્યા હતા.
જાણીતું છે કે આ પહેલા ઇરા ખાન અને નુપર શિખરેએ 3 જાન્યુઆરીના રોજ મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યા હતા. આ કોર્ટ મેરેજમાં નુપુર વેસ્ટ અને શોર્ટ્સમાં લગ્નની બારાત સાથે પંહોચ્યો હતો અને તેની આ હટકે સ્ટાઈલએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. જ્યારે ઇરા ના સિમ્પલ લુક, સ્માર્ટવોચ અને કોલ્હાપુરી ચપ્પલમાં જોવા મળી હતી.