કોરોના વાઇરસ વુહાન લેબમાંથી જ લીક થયાનો અમેરિકી વિજ્ઞાનીનો દાવો, પુસ્તકમાં કર્યા સનસનાટીભર્યા ખુલાસા

વોશિંગ્ટન,

ચીનની વુહાન લેબ સાથે કામ કરનારા કર્મચારીના દાવા અનુસાર કોરોના વાઇરસ જેનેટિકલી એન્જિનીયર્ડ હતો અને તે વુહાન લેબમાંથી લીક થયો હતો. ઇકોહેલ્થ અલાયન્સના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ ડો. એર્ન્ડ્યુ હફે તેમના પુસ્તક ધ ટૂથ અબાઉટ વુહાનમાં દાવો કર્યો છે કે કોરોના મહામારી જેનેટિકલ એન્જિનિયરિંગનું ખતરનાક પરિણામ હતું.

ડો. હફે જણાવ્યું હતું કે નાઇન ઇલેવનના આતંકી હુમલા બાદની આ સૌથી મોટી વિભિષિકા કોરોના મહામારીમાં અમેરિકાની જાસૂસી સંસ્થાઓની નિષ્ફળતા બાબતે ઘણી બધી બાબતોની તેમને ખબર છે. કોરોના મહામારીની શરૂઆતથી જ અમેરિકા કોરોના વાઇરસ લીક થવા માટે ચીનને જવાબદાર ગણાવતું રહ્યું છે પણ ચીને પહેલેથી આ આક્ષેપોને નકારી કાઢતું રહ્યું છે.

ડો. હફે તેમના પુસ્તકમાં જણાવ્યું છે કે આ લેબને અમેરિકન સરકાર તરફથી મોટા પ્રમાણમાં ભંડોળ મળ્યું હતું. ઇકોહેલ્થ અલાયન્સ અને વિદેશી લેબ પાસે યોગ્ય જૈવિક સુરક્ષા અને રિસ્ક મેનેજમેન્ટ માટે પૂરતાં સ્ત્રોતો નહોતાં. જેને પરિણામે વુહાન ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીની લેબમાંથી આ ખતરનાક વાઇરસ લીક થયો હતો. ડો હફે ૨૦૧૪થી ૨૦૧૬ સુધી ઇકોહેલ્થ અલાયન્સમાં કામ કર્યું હતું. ૨૦૧૫માં તેમને આ કંપનીના પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતા. તેઓ અમેરિકન સરકારના વિજ્ઞાની તરીકે આ રિસર્ચ પ્રોગ્રામ પર ગુપ્ત રીતે કામ કરતાં હતા. તેમણે જણાવ્યું હતું કે નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ હેલ્થ દ્વારા મળેલા ભંડોળ દ્વારા ઇકોહેલ્થ અલાયન્સે દસ વર્ષથી વધારે સમય સુધી ચામાચિડિયામાં મળી આવતાં વિવિધ પ્રકારના વાઇરસોનો અભ્યાસ કર્યો હતો. આ કામ કરતી વખતે તેમના વુહાન લેબ સાથે સબંધો ઘનિષ્ટ બન્યા હતા.

ડો. હફે દાવો કર્યો હતો કે ચીનને પહેલેથી જ ખબર હતી કે કોરોના વાઇરસ જેનેટિકલી એન્જિનિયર્ડ છે. ચીનને આ ખતરનાક બાયા ટેકનોલો જી ટ્રાન્સફર કરવા માટે અમેરિકન સરકાર પણ દોષી છે. ડો. હફે ધ સનને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે મેં જે જોયું તેનાથી હું ડરી ગયો હતો. અમે તેમને બાયોલોજિકલ વેપનની ટેકનિક સોંપી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે થોડા લાલચુ વિજ્ઞાનીઓને કારણે દુનિયાભરમાં લાખો લોકોને જીવ ગુમાવ્યા પડયા. ચીનની સરકારે સાર્સ કોવ-૨ના વિનાશ બાબતે ખોટી વાતો કરી હતી તેમાં આશ્ર્ચર્ય પામવા જેવું કશું નથી.