
દુનિયામાં કોરોના વાયરસનાં સંક્રમણનો સામનો કરવા માટે સૌથી પહેલા બ્રિટનમાં વેક્સિન આવી રહી છે, જે માટે લીલી ઝંડી પણ મળી ગઇ છે, બ્રિટને તાજેતરમાં ફાઇઝર અને બાયોએનટેકની કોવિડ-19 વેક્સિનનાં ઇમર્જન્સી ઉપયોગને મંજુરી આપી દીધી છે, તે સાથે જ બ્રિટનની સરકારે વેક્સિન લગાવવામાં આવે તે પહેલા જ ઘોષણા કરી કે કોઇને વેક્સિનની સાઇડ ઇફેક્ટ થાય તો તેને વળતર આપવામાં આવશે.
બ્રિટન પહેલો દેશ છે, જેણે પોતાનાં નાગરિકોને કોરોના વેક્સિન આપવાની ઘોષણા કરી છે, પરંતું ફાઇઝરનાં અધિકારી તે બાબત અંગે સંપુર્ણ આત્મ વિશ્વાસ ધરાવતા નથી કે કોરોનાની આ વેક્સિનથી સંક્રમણ ફેલાતું રોકાશે કે નહીં.
ફાઇઝરનાં સીઇઓ આલ્બર્ટ બોર્લોએ કહ્યું કે તેમને આશા છે કે અમેરિકાનાં આરોગ્ય અધિકારીઓએ પણ લીલી ઝંડી આપ્યા બાદ વેક્સિન તાત્કાલિક આવી જશે, બ્રિટનમાં કોરોના વેક્સિનની મંજુરી મળ્યા બાદ આલ્બર્ટ બૌર્લાએ કહ્યું કે ખરેખર તો તે જોવાનું બાકી છે કે વેક્સિનનો ડોઝ લેનારા શખશથી કોઇ અન્યને વાયરસનું સંક્રમણ થઇ રહ્યું છે કે નહીં.
વેબસાઇટ આરટી ક્યોશ્વન મોરે અનુસાર, આલ્બર્ટ બોર્લાએ કહ્યું કે, ભલે કોઈ વ્યક્તિએ રસી લીધી હોય તો પણ તે જોવાનું બાકી છે કે આનાથી અન્ય લોકોમાં સંક્રમણ ફેલાતું અટકે છે કે ખતમ થઇ જાય છે. તેમણે કહ્યું કે આ સંદર્ભમાં હજી તેનો ટેસ્ટ થવાનો બાકી છે. તેને હજી આ પાસા વિશે ખાતરી નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે બ્રિટનમાં આગામી કેટલાક દિવસોમાં, સામાન્ય લોકોને રસી મળવાનું શરૂ થઈ જશે. બ્રિટનની સરકારે ફાઈઝર-બાયોએનટેક રસીને મંજૂરી આપી દીધી છે. બ્રિટીશ રેગ્યુલરેટર્સએ અમેરિકન કંપની ફાઇઝર અને જર્મન કંપની બાયોએનટેક દ્વારા બનાવવામાં આવેલી રસીને મંજૂરી આપી દીધી છે. આ વેક્સિનને ટ્રાયલમાં 95 ટકા સુધીની સફળતા મળી હતી, ત્યારબાદ બ્રિટને પણ આ રસીનો ઉપયોગ કરવાની સંમતિ આપી છે.