કોરોના સમયે ભાજપ સરકાર દ્વારા હોસ્પિટલોમાં થયેલી કથિત ગેરરીતિઓની તપાસ થશે

  • આ બદલાની રાજનીતિ નથી, અમને માત્ર ન્યાય જોઈએ છે : શિવકુમાર

બેંગ્લુરુ: કર્ણાટક સરકાર કોરોના સમયગાળા દરમિયાન ભાજપ સરકાર દરમિયાન હોસ્પિટલોમાં થયેલી કથિત ગેરરીતિઓની તપાસ કરશે. કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારનું કહેવું છે કે તેમની સરકાર બદલાની રાજનીતિ નથી કરી રહી, તે ઈચ્છે છે કે લોકોને ન્યાય મળે.ડીકે શિવકુમારે કહ્યું કે, ’કોરોના સમયગાળા દરમિયાન ઓક્સિજનની અછતને કારણે ૩૬ લોકોના મોત થયા હતા પરંતુ તત્કાલીન મંત્રીએ કહ્યું હતું કે માત્ર ત્રણ લોકોના મોત થયા હતા. શું આપણે તેને તપાસવું ન જોઈએ ? સ્ટાફના એક પણ સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યો ન હતો અને કોઈને જવાબદાર ઠેરવવામાં આવ્યા ન હતા.

જણાવી દઈએ કે કર્ણાટક સરકારે કોરોના મહામારી દરમિયાન કથિત ગેરરીતિઓની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરી છે. આ સમિતિનું નેતૃત્વ કર્ણાટક હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ જોન માઈકલ ડી’કુન્હા કરશે. સરકારે તપાસ સમિતિને ત્રણ મહિનામાં પોતાનો રિપોર્ટ આપવા જણાવ્યું છે. તપાસ સમિતિને દવાઓ અને અન્ય વસ્તુઓની ખરીદી, ટેસ્ટ કીટની ખરીદી, વેન્ટિલેટરની ફાળવણી વગેરેની તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. કોરોના દરમિયાન ઓક્સિજનના અભાવે થયેલા મૃત્યુની પણ સમિતિ દ્વારા તપાસ કરવામાં આવશે.

કોરોના સમયગાળા પર કર્ણાટક વિધાનસભાની પીએસીનો અહેવાલ ગયા જુલાઈમાં વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યનું આરોગ્ય વિભાગ કોરોનાના સમયગાળા દરમિયાન દવાઓની ખરીદી, પથારીની ફાળવણી અને અન્ય આવશ્યક ચીજોના બિલ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું છે. કોરોના દરમિયાન મૃત્યુના આંકડામાં પણ અનિયમિતતા જોવા મળી છે. જેની હવે તપાસ કરવામાં આવશે.

બીજી તરફ, રાજ્યના સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે ’અમને સત્તામાં આવ્યાને ત્રણ મહિના થઈ ગયા છે, પરંતુ હજુ સુધી ભાજપ વિપક્ષના નેતાની પસંદગી કરી શક્યું નથી. રાજ્યમાં ભાજપ નાદાર છે. જે પણ કોંગ્રેસમાં જોડાવા માંગે છે, અમે તેમનું સ્વાગત કરીશું. જે લોકો અમારી પાર્ટીની વિચારધારા સાથે સહમત છે, તેમની પાસે આ સારી તક છે.