કોરોના પોલિસી ખરીદનાર માટે મોટા સમાચાર, IRDAIએ આપ્યો મહત્વપૂર્ણ આદેશ

ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)એ ગ્રાહકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. IRDAIએ વીમા કંપનીઓને કોરોના કવચ અથવા કોરોના રક્ષક પોલિસીઓના નવીકરણ (રિન્યૂઅલ) માટે વીમો ખરીદનાર ગ્રાહક માટે 15 દિવસની પ્રતીક્ષા અવધિ (વેઈટિંગ પીરિયડ) લાગુ ન કરવા જણાવ્યું છે.

IRDAIએ એક પરિપત્રમાં જણાવ્યું છે કે, ગ્રાહકોને કોઈ પણ સમયગાળાની કોરોના કવચ અને કોરોના રક્ષક પોલિસીઓને સાડા ત્રણ મહિના, છ મહિના અને દોઢ મહિનાની અંદર નવીકરણ કરવાનો વિકલ્પ મળવો જોઈએ.

15 દિવસનો વેઈટિંગ પીરિયડ સમાપ્ત

જો કે, પોલિસી ધારકે હાલની પોલિસી સમાપ્ત થાય તે પહેલાં પોલિસી રિન્યૂઅલ કરાવવી જરૂરી છે. IRDAIએ જણાવ્યું છે કે, પોલિસીના નવીકરણમાં કોઈ વધારાના 15 દિવસની રાહની મુદત લાદવી જોઈએ નહીં અને પોલિસીના ફાયદા સતત ચાલુ રાખવા જોઈએ. આ પોલિસીઓને 31 માર્ચ 2021 સુધીના સમયગાળા માટે નવીકરણ કરવાની મંજૂરી છે. નોંધનીય છે કે, વીમા કંપનીઓએ ટૂંકા ગાળાની કોરોના કવચ અને કોરોના રક્ષક પોલિસીઓ જારી કરી હતી. આ પોલિસીઓ સાડા ત્રણ મહિના, સાડા છ મહિના અથવા સાડા નવ મહિનાના સમયગાળા માટે જારી કરવામાં આવી હતી.

વીમા કંપનીઓ રિન્યૂઅલ, ટ્રાન્સફરનો વિકલ્પ આપે

આ પોલિસીઓ કોરોના વાયરસની સારવાર માટેના ખર્ચ પર વીમા કવચ આપવા માટે તૈયાર કરાઈ હતી. IRDAIએ એક પરિપત્રમાં જણાવ્યું છે કે, વીમા કંપનીઓએ પણ ગ્રાહકોને પોલિસી રિન્યૂઅલ, ટ્રાન્સફર અને પોર્ટેબીલીટીનો વિકલ્પ આપવો જોઈએ.