કોરોનાના કેસ વધવા માંડ્યા, ૨૪ કલાકમાં નવા ૭૬૦ કેસ, કેરળ અને કર્ણાટકમાં ૧-૧ દર્દીનાં મોત

ભારતમાં કોરોના વાયરસના કેસ ફરી વધવા માંડ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 760 કેસ નોંધાયા હતા. આ સાથે જ કોરોનાથી બે દર્દીઓના મૃત્યુ થયાની પણ માહિતી મળી છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 4423 થઈ ચૂકી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે સવારે 8 વાગ્યે આંકડા અપડેટ કર્યા હતા જે અનુસાર છેલ્લા 24 કલાકમાં કેરળ અને કર્ણાટકમાં એક એક દર્દીનું મોત કોરોનાને કારણે થયું હોવાની જાણકારી અપાઈ હતી. 

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 5 ડિસેમ્બર સુધી રોજિંદા કેસની સંખ્યા ઘટીને બેવડા અંકોમાં આવી ગઈ હતી જોકે કોરોનાનો નવો વેરિયન્ટ મળ્યા બાદ ફરી કેસમાં વધારો થવા લાગ્યો.  જ્યારે કોરોના વાયરસની મહામારી ચરમ પર હતી ત્યારે દરરોજ લાખો કેસ આવી રહ્યા હતા. 2020થી અત્યાર સુધી ભારતમાં 4.5 કરોડથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 5.3 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.