કોરોનાના ભણકારાની અસર? શેર બજારમાં જબરદસ્ત કડાકો,

મુંબઇ,

દુનિયાભરમાં કોરોનાના કેસમાં એકાએક આવેલા ઉછાળાની અસર ભારતીય શેર બજાર ઉપર પણ જોવા મળી. અઠવાડિયાના ત્રીજા કોરોબારી દિવસે શેર બજાર લીલા નિશાન સાથે ખુલ્યું પરંતુ આ હરિયાળી લાંબો સમય ટકી નહીં. જેમ જેમ ચીન સહિત અન્ય દેશોમાં કોવિડના બેકાબૂ થવાના સમાચાર વહેતા થયા કે ઘટાડો જોવા મળ્યો. બંને સૂચકઆંક સેન્સેક્સ અને નિટી ગગડીને બંધ થયા.

સ્ટોક માર્કેટ સવારે લીલા નિશાન સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ લગભગ ૨૯૦ અંકોની તેજી સાથે ૬૧૯૯૨ ના સ્તરે જ્યારે નિટી ૫૦ અંકોની તેજી સાથે ૧૮૪૩૫ના સ્તરે ખુલ્યો હતો. પણ જેમ જેમ દુનિયામાં કોરોનાના વધતા કેસની અસર રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પડી કે શેર બજાર ગગડવાનું શરૂ થઈ ગયું. છેલ્લે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ ૬૩૫.૦૫ પોઈન્ટ ગગડીને ૬૧૦૬૭.૨૪ પોઈન્ટના સ્તરે બંધ થયો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિટી ૧૮૬.૨૦ પોઈન્ટ તૂટીને ૧૮૧૯૯.૧૦ પોઈન્ટ પર બંધ થયો.

સ્ટોક માર્કેટમાં થયેલા મોટા કડાકાના પગલે રોકાણકારોના લગભગ ચાર લાખ કરોડ રૂપિયાથી વધુ સ્વાહા થઈ ગયા. ગત કારોબારી સત્ર મંગળવારે જ્યારે શેરબજાર બંધ થયું ત્યારે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપેટલાઈઝેશન ૨,૮૭,૩૯,૯૫૮.૦૯ કરોડ રૂપિયા હતી. જે બુધવારે કારોબારના અંતમાં ૨,૮૨,૮૬,૧૬૧.૯૨ કરોડ રૂપિયા રહી ગઈ.

જે સ્ટોકના ભાવ સૌથી વધુ ગગડ્યા તેમાં નિટીમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફિનસર્વ, અલ્ટ્રાટેક સિમેન્ટ જ્યારે સેન્સેક્સમાં ઈન્ડસઈન્ડ બેંક, મારુતિ સુઝૂકી, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, આઈસીઆઈસીઆઈ બેંકના શેર જોવા મળ્યા.

આવી વિપરિત પરિસ્થિતિમાં પણ જે શેરના ભાવ ઊંચે જોવા મળ્યા તેમાં નિટીમાં દિવિસ લેબ્સ, એપોલો હોસ્પિટલ, સિપ્લા, સન ફાર્મા, એચસીએલ ટેક વગેરે જ્યારે સેન્સેક્સમાં સનફાર્મા, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ટીસીએસ, નેસલેના શેર જોવા મળ્યા.