કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ : માસ્ક બાબતે મહિલાને કારમાં બેભાન કરી દેહ પીંખ્યો

સુરતના કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. આરોપી કોન્સ્ટેબલે માસ્ક બાબતે મહિલાને કારમાં બેભાન કરી દેહ પીંખ્યો હતો તેમજ અશ્લીલ ફોટા બતાવી વારંવાર હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.

સુરતના પલસાણા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ હાલ ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નરેશ કાપડિયા (રહે. બીકે પાર્ક સોસાયટી, બારડોલી)એ વર્ષ 2020માં પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતો, તે દરમિયાન માસ્ક નહીં પહેરવા બાબતે 33 વર્ષની પરિણીતા મહિલાને તેની સોસાયટી બહારથી પોલીસ સ્ટેશન ચાલવું પડશે, તેમ કહી પોતાની કારમાં લઈ જઈ બેભાન કરી બળાત્કાર ગુજાર્યો હતો. વિકૃતિની હદ વટાવી ચૂકેલા કોન્સ્ટેબલે પીડિત મહિલાના અશ્લીલ ફોટો મોબાઇલમાં પાડી લીધા હતા અને તે ફોટા બતાવી અવારનવાર ભૂતપોરના ફાર્મ હાઉસ અને પલસાણાની કાઠિયાવાડી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો. આ દરમિયાન પીડિતા ગર્ભવતી બની જતાં આરોપીએ મહિલાનો ગર્ભપાત પણ કરાવ્યો હતો. આરોપી કોન્સ્ટેબલે મહિલાને ધમકી આપી હતી કે જો તું કોઈને આ વાત કરીશ તો તારા અશ્લીલ ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ કરી દઈશ અને તારા પતિને ખોટા આરોપમાં ફસાવી દઈશ અથવા તો તેને મારી નાખીશ. મહિલાની ફરિયાદ પરથી પલસાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાતા કોન્સ્ટેબલની પત્નીએ પીડિતા અને તેના પતિ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કરાયો છે કે, મહિલા મારા પતિને પ્રેમસંબંધ રાખવા દબાણ કરતી હતી. આ વાતને લઈ મહિલાએ અનેક વખત મારા પતિ સાથે ઝઘડો કર્યો હતો. 7 મે 2021ના રોજ અમે બાઇક પર જતાં હતાં ત્યારે સોસાયટીની બહાર મહિલા અને તેના પતિએ અપશબ્દો કરી જાતિવિષયક અપમાન કર્યું હતું. મહિલાએ મારા પતિને નોકરીમાંથી કઢાવવા તેમજ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવાની ધમકી પણ આપી હતી.

અગાઉ એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થયો હતો. જેમાં પીડિતા અને અને આરોપી કોન્સ્ટેબલની પત્ની વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. જે અંગે જાણવા મળતી વિગત મુજબ પલસાણા ચાર રસ્તા પરથી આરોપી કોન્સ્ટેબલ પત્ની સાથે કારમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે ભોગ બનનાર મહિલાએ ટ્રાફિકમાં કોન્સ્ટેબલની કારને રોકી ઝઘડો કર્યો હતો. જ્યાં આરોપી કોન્સ્ટેબલ, તેની પત્ની અને મહિલા વચ્ચે જાહેરમાં છૂટા હાથની મારામારી થઈ હતી.