કોંગ્રેસની કેન્દ્રીય ચુંટણી સમિતિમાં ધરખમ ફેરફાર: મનમોહન, મોઈલી સહિત પીઢ નેતાઓ ’આઉટ’

લોકસભા તથા પાંચ રાજયોની વિધાનસભા ચુંટણીની પુર્વ તૈયારી તથા માસાંતે હૈદ્રાબાદમાં નવરચિત કારોબારી બેઠક અગાઉ કોંગ્રેસે હવે કેન્દ્રીય ચુંટણી સમીતીમાં મોટા ફેરફારો કર્યા છે. પીઢ નેતાઓને ચુંટણી સમીતીમાંથી હટાવીને રાજયોના નેતાઓને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, એ.કે.એન્ટોની, જનાર્દન દ્વિવેદી તથા એમ.વિરપ્પા મોઈલીને સમીતીમાંથી વિદાય કરાયા છે.

કોંગ્રેસની કેન્દ્રીય ચુંટણી સમીતીમાં અગાઉ સોનિયા ગાંધી, મનમોહનસિંહ, રાહુલ ગાંધી, એ.કે.એન્ટોની, અંબિકા સોની, ગીરીજા વ્યાસ, જનાર્દન દ્વિવેદી, વિરપ્પા મોઈલી, મુકુલ વાસ્નીક તથા મોહસીના કીડવાઈ અને મહામંત્રી કે.સી.વેણુગોપાલ હતા. નવી સમીતીમાં સોનિયા-રાહુલ ગાંધી, અંબિકા સોની તથા વેણુગોપાલને બાદ કરતા અન્ય તમામને પડતા મુકી દેવામાં આવ્યા છે. કોંગ્રેસની 16 સભ્યોની નવી કેન્દ્રીય ચુંટણી સમીતીમાં અધીર રંજન ચૌધરી, સલમાન ખુરશીદ, મધુસુદન મિસ્ત્રી, એન.ઉતમકુમાર રેડ્ડી, ટી.એસ.સિંઘદેવ, કે.જે.જયોર્જ, પ્રિતમ સિંઘ, મોહમ્મદ જાદવ, અમી યાજ્ઞીક, પી.એલ.પુનિયા તથા ઓમકાર માર્કમનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રેડ્ડી, દેવ, જયોર્જ, યાજ્ઞીક જેવા નેતાઓને હવે ઉચ્ચસ્તરીય પેનલમાં સ્થાન મળ્યું છે. કોંગ્રેસે તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે આક્રમક પ્રચાર અભિયાન શરુ કરવાનો સંકેત આપીને નવરચિત કારોબારીની પ્રથમ બેઠક 16-17 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં યોજવાનું જાહેર કર્યુ જ હતું. કારોબારી બેઠક બાદ વિશાળ રેલી યોજીને કોંગ્રેસ દ્વારા મતદારોને પાંચ ગેરંટી આપવામાં આવશે. કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ હાઈકમાંડને એવો રિપોર્ટ આપ્યો છે

કે રાજયમાં સતાધારી બીઆરએસ તથા ભાજપ કરતા કોંગ્રેસ માટે ચિત્ર સારુ છે. કોંગ્રેસ મહામંત્રી વેણુગોપાલે કહ્યું કે 16 સપ્ટેમ્બરે કોંગ્રેસની કારોબારી મળશે. 17મીની બેઠકમાં કોંગ્રેસ શાસીત રાજયોના મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખો તથા વિપક્ષી નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. આ જ દિવસે વિશાળ જાહેરસભામાં કોંગ્રેસ પાંચ વચનો જાહેર કરશે અને ત્યારબાદ તમામ 119 મતવિસ્તારોનો કોંગ્રેસ નેતાઓ પ્રવાસ કરશે. સાંસદોને સંસદના સત્ર માટે દિલ્હી પહોચવુ પડશે. પરંતુ બાકીના નેતાઓ પ્રચારમાં જોડાશે.