નવીદિલ્હી,કોંગ્રેસના સાંસદોએ આજે રાહુલ ગાંધીની લોક્સભાની સદસ્યતા રદ કરવાના વિરોધમાં કાળા કપડા પહેરીને વિરોધ કર્યો હતો. તેના પર કટાક્ષ કરતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે તેમના કાળા કાર્યો, હવે કાળા કપડા અને હવે તેઓ કાળા જાદુ કરવા જઈ રહ્યા છે કારણ કે તેમના કાળા કાર્યો છુપાવી શકાય નહીં. સંસદ ભવન સંકુલમાં મીડિયા સાથે વાત કરતા ઠાકુરે પ્રિયંકા ગાંધીના ભગવાન રામ સાથે સરખામણી કરવાના નિવેદનની આકરી ટીકા કરી અને કહ્યું કે હવે આ દિવસ જોવાનો બાકી હતો, આનાથી મોટો અહંકાર શું હોઈ શકે.
રાહુલ ગાંધીની ટીકા કરતા ઠાકુરે કહ્યું કે રાહુલ ગાંધીએ પછાતનું અપમાન કર્યું છે અને એટલો અહંકાર છે કે તેઓ માફી માગતા નથી અને હવે તેઓ કોર્ટના આદેશનું પણ પાલન નથી કરી રહ્યા. સાવરકર અંગેના રાહુલ ગાંધીના નિવેદનની આકરી ટીકા કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમણે ઓછામાં ઓછું સાવરકર અંગે તેમના દાદી ઈન્દિરા ગાંધીના નિવેદનનું સન્માન કરવું જોઈતું હતું. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ક્યારેય સાવરકર બની શકે નહીં કારણ કે સાવરકર ક્યારેય ૬ મહિના માટે વિદેશ જતા ન હતા.
અનુરાગ ઠાકુરે ગૃહને કામકાજ ન કરવા દેવા બદલ કોંગ્રેસની ટીકા કરી અને કહ્યું કે માત્ર એક વ્યક્તિ (રાહુલ ગાંધી)ના કારણે તેઓ સંસદનું સત્ર ચાલવા દેતા નથી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લોક્સભામાંથી ગેરલાયક ઠેરવવાના વિરોધમાં કાળા વો પહેરીને આવેલા કોંગ્રેસ સહિત કેટલાક વિરોધ પક્ષોના સભ્યોએ સોમવારે ગૃહમાં હંગામો મચાવ્યો હતો. કોંગ્રેસના બે સાંસદોએ કાગળો ફાડીને અયક્ષ તરફ ફેંકી દીધા, જેના કારણે ગૃહની કાર્યવાહી શરૂ થયાની થોડી મિનિટો બાદ સ્થગિત કરવામાં આવી.આજ મુદ્દા પર રાજયસભામાં પણ હંગામો થયો હતો અને કાર્યવાહી સ્થગિત કરાઇ હતી