કોંગ્રેસી સીએમના આદેશથી ખુશ થયા નીતિન ગડકરી, અભિનંદન પાઠવતા કહ્યું આ રંગ દેશ માટે જરૂરી: કરી જાહેરમાં પ્રશંસા

નવીદિલ્હી,

છત્તીસગઢ સરકારે તમામ સરકારી ઈમારતોમાં ગાયના છાણમાંથી બનેલા રંગનો ઉપયોગ ફરજિયાત કરવાનો આદેશ આપ્યો છે. જેના પ્રશંસા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી હતી. બંને વચ્ચેની આ વાતચીત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર થઈ હતી. બે દિવસ પહેલા, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આદેશ આપ્યો હતો કે, રાજ્યની તમામ સરકારી ઈમારતોને ગાયના છાણથી બનતા રંગેથી રંગવા માટે કામ કરવું જોઈએ.તેમણે કહ્યું કે, જો આ આદેશનું પાલન નહીં થાય તો કાર્યવાહી કરવામાં આવશે, તેમજ જવાબદાર અધિકારીઓને પ્રશ્ર્ન કરવામાં આવશે. કારણ કે, સરકારે આ સંદર્ભમાં પહેલેથી જ આદેશ બહાર પાડી દીધો છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટ્વિટ કર્યું કે, હું છત્તીસગઢના મુખ્યમંત્રીને કે જેમણે છત્તીસગઢના સરકારી વિભાગીય અધિકારીઓને ગાયના છાણમાંથી બનાવેલા કુદરતી રંગનો ઉપયોગ કરવા આદેશ કર્યો તેમના બદલ તેમને અભિનંદન આપું છું. તેમનો આ નિર્ણય સરાહનીય અને આવકારદાયક છે. જયારે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મંત્રી હતો ત્યારે આની શરૂઆત કરી હતી. પ્રાકૃતિક રંગના ઉપયોગથી પર્યાવરણનું રક્ષણ તો થશે જ પરંતુ ખેડૂતોને રોજગારીની નવી તકો પણ મળશે. જેના કારણે દેશના ખેડૂતોને ફાયદો થશે.

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે તેમના જવાબમાં કહ્યું કે, તમારો ખૂબ ખૂબ આભાર! પ્રિય નીતિન ગડકરી, છત્તીસગઢ સરકારના આ કર્મયોગને ફક્ત ’કર્મયોગી’ જ સમજી શકે છે. માત્ર શબ્દોથી જ નહીં, પણ સારા ઈરાદાથી દેશ અને રાજ્ય બીજાઓ માટે પ્રેરણારૂપ બને છે. ગાય અને મજૂરને આદર આપવો એ જ ગાંધીનો માર્ગ છે. અમે તેના પર આગળ વધી રહ્યા છીએ. તત્કાલિન કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ પ્રધાન નીતિન ગડકરીએ ૧૭ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ ગાયના છાણમાંથી પેઇન્ટ બનાવવાની યોજનાની જાહેરાત કરી હતી. ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ વિનય કુમાર સક્સેનાએ માર્ચ ૨૦૨૦માં તેની કલ્પના કરી હતી. પાછળથી જયપુરની કુમારપ્પા નેશનલ હેન્ડમેડ પેપર ઇન્સ્ટિટ્યૂટએ તેને વિક્સાવ્યું. આ કેટેગરીની પ્રથમ પેઇન્ટ ૨૦૨૧ માં લોન્ચ કરવામાં આવી હતી.