’કોંગ્રેસે સ્વીકાર્યું કે તે એકલા નરેન્દ્ર મોદીને નહી હરાવી શકે’ ,સ્મૃતિ ઈરાનીએ રાહુલના નિવેદન પર પલટવાર

નવીદિલ્હી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પટનામાં રાહુલ ગાંધીના નિવેદન પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, આખરે કોંગ્રેસે સ્વીકારી લીધું છે કે તે એકલા નરેન્દ્ર મોદીને નહીં હરાવી શકે. ઈરાનીએ કહ્યું કે કોંગ્રેસના નેતૃત્વમાં હું કોંગ્રેસ પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું કે કોંગ્રેસ નરેન્દ્ર મોદીને હરાવવામાં એકલા નિષ્ફળ રહી છે, તેમને સમર્થનની જરૂર છે.

તેમણે કહ્યું- ‘આ વિપક્ષી પાર્ટીઓ એક્સાથે આવીને દેશને સંકેત આપવા માંગે છે કે મોદીજીની સામે તેમની પોતાની ક્ષમતા નિષ્ફળ ગઈ છે.’

બીજી તરફ રાહુલના પ્રેમ ફેલાવવાના નિવેદન પર સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે શું ૮૪ના રમખાણો દ્વારા ગાંધી પરિવારે પ્રેમ વ્યક્ત કર્યો હતો? શું ગાંધી પરિવારે દેશમાં ઈમરજન્સી લાદીને અને નિર્દોષ ભારતીયોને જેલમાં મોકલીને પ્રેમ વ્યક્ત કર્યો હતો? શું ઝાડ પડવાથી અને ધરતીના ધ્રુજારીએ પ્રેમની અભિવ્યક્તિ કરી હતી?

આ પહેલા રાહુલ ગાંધીએ પટનાના સદક્ત આશ્રમમાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે જો આપણે બધા સાથે મળીને ચૂંટણી લડીએ તો આગામી લોક્સભા ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી હટાવી શકાય છે. તેમણે કહ્યું કે તમે જોયું કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના નેતાઓએ રાજ્યના ખૂણે-ખૂણે પ્રચાર કર્યો, પરંતુ ત્યાં શું થયું તે બધા જાણે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ અને તેલંગાણામાં ચૂંટણી જીતવા જઈ રહી છે.