કોંગ્રેસ યાત્રા જ્યાં-જ્યાં, ઇન્ડીયા ગઠબંધન ઢેર ત્યાં ત્યાં કોંગ્રેસ યાત્રા જે રાજ્યો-વિસ્તારોમાંથી પસાર થઇ છે ત્યાંથી ઇન્ડીયા ગઠબંધનના સાથી પક્ષો અલગ થતા જાય છે.

નવીદિલ્હી,કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા દેશમાં જેમ-જેમ આગળ વધી રહી છે તેમ તેમ ઇન્ડીયા ગઠબંધન વિખેરવા લાગ્યુ છે. જોગાનુંજોગ હોય કે પછી ખેલ પાડવામાં આવ્યો હોય તો પણ હકીક્ત છે કે કોંગ્રેસ યાત્રા જે રાજ્યો-વિસ્તારોમાંથી પસાર થઇ છે ત્યાંથી ઇન્ડીયા ગઠબંધનના સાથી પક્ષો અલગ થતા જાય છે.

ભાજપ સામે બાથ ભીડયા ૨૮ વિપક્ષોએ ભેગા થઇ ઇન્ડીયા ગઠબંધન બનાવ્યુ હતું. લોક્સભાની તૈયારીઓ વચ્ચે રાહુલની યાત્રા મણીપુરથી શરૂ થઇ હતી. યાત્રાથી ભલે કોંગ્રેસ સંગઠનને મજબુતી મળે પણ સાથોસાથ તે ઇન્ડીયા ગઠબંધન વિખેરાવાનું પણ કારણ બનતી જોવા મળી રહી છે.

યાત્રાથી બંગળા, બિહાર, યુપી જેવા રાજયોમાં જો કોંગ્રેસ મજબુત થશે તો તેનું નુક્સાન તેના જ સહયોગીઓને ઉઠાવવું પડશે. કોઇ પણ સહયોગી પક્ષ પોતાના પ્રભાવ ક્ષેત્રમાં કોંગ્રેસને જગ્યા આપવા માંગતુ નથી. કોંગ્રેસના પ્રદેશ એકમો સહયોગી પક્ષો માટે વધુ બેઠકો છોડવા તૈયાર નથી. કોંગ્રેસ અને સહયોગી પક્ષોના પ્રભાવ જમાવવાની લડાઇમાં બેઠકોની ભાગ બટાઇ પણ પ્રભાવીત થઇ છે.

રાહુલની યાત્રા બંગાળ પહોંચતા જ ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ એકલા હાથે લોક્સભા ચૂંટણી લડવાની જાહેરાત કરી ગઠબંધન પ્રથમ છેદ પાડયો હતો. તેમણે યાત્રામાં પણ જોડાવાથી ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ યાત્રા બિહાર પહોંચતા સાથી પક્ષના સારથી નિતીશ કુમાર તો ઇન્ડીયા ગઠબંધન છોડીન એનડીએમાં જ સામેલ થઇ ગયા હતા.હાલ યાત્રા યુપીમાં ચાલી રહી છે. કેટલાક દિવસ પહેલા રાલોદના જયંતસિંહ ઇન્ડીયા યુતિમાંથી અલગ થઇ ચૂક્યા છે.સપા પ્રમુખ અખીલેશના પણ સુર બદલાઇ ગયા છે. તેમણે ગઇ કાલે જણાવેલ કે કોંગ્રેસ ૧૯ બેઠકો માંગી રહી છે જ્યારે સપા વધુમાં વધુ ૧૭ બેઠકો જ આપી શકશે.

ઉપરાંત આમ આદમી પાર્ટી પંજાબમાં એકલી જ લોક્સભા લડવા જાહેરાત કરી ચુકી છે. પંજાબમાં આપ સત્તામાં છે જ્યારે કોંગ્રેસ મુખ્ય વિપક્ષમાં છે. બંને પક્ષોના પ્રદેશ એકમો એ પણ ગઠબંધન અંગે નકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો.

સાથે જ જમ્મુ-કાશ્મીરમાં પહેલા નેશનલ કોન્ફરન્સના ફારૂખ અબદુલ્લાએ એકલા ચૂંટણી લડવાની ઘોષણા બાદ હવે પીડીથી પ્રમુખ મહબુબા મુફતીએ પણ ગઠબંનમાં જોડાવાને બદલે એકલા જ ચૂંટણી લડવા ચાલી નીકળ્યા છે.કોંગ્રેસની ગાડી કેરળમાં પણ માટે નથી ચડી રહી. મહાસચિવ કેસી વેણુગોપાલ જણાવી ચુક્યા છે કે વામપંથી દળ અને કોંગ્રેસ સાથે મળીને લોક્સભા ચૂંટણી નહી લડી શકે આમ રાહુલની ભારત જોડો ન્યાય યાત્રા કદાચ કોંગ્રેસને ફાયદો કરાવશે. પણ વિપક્ષી એક્તા માટે બનાવાયેલ ઇન્ડીયા ગઠબંધન માટે મુશ્કેલી સર્જી રહ્યુ હોય તેવી છાપ ઉપસી રહી છે.