કોંગ્રેસે વોટની રાજનીતિ કરી,કોંગ્રેસ ઈચ્છતી હતી કે કર્ણાટકમાં લોકોને ગોળી વાગે, પણ અમે બચાવતા હતા : વડાપ્રધાન

રાજસમંદ,કર્ણાટક વિધાનસભા માટે આજે મતદાનની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે તેઓ મોદીને ઓળખી શક્યા નહિ, કારણ કે આ મોદી છે… ભારતના લોકોને બચાવવા માટે કોઈપણ હદ પાર કરી શકીએ છીએ.

કોંગ્રેસ પર પ્રહાર કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે રાજસ્થાનના કેટલાક લોકો કર્ણાટક ગયા હતા, તેમને ત્યાં હક્કી-પીક્કી સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. આ સમુદાય સુદાનમાં જડીબૂટીઓ વેચવાનું કામ કરે છે, જ્યાં લોકો ગૃહયુદ્ધમાં ફસાયેલા છે, અમે તેમને શાંતિથી બહાર કાઢી રહ્યા હતા, પરંતુ કોંગ્રેસે હોબાળો મચાવ્યો. તે ઈચ્છતી હતી કે તેમાંથી એકને ગોળી મારી દેવામાં આવે, જેથી તે મોદીનું ગળું પકડી શકે.

કોંગ્રેસે મતની રાજનીતિ માટે સુદાનમાં ફસાયેલા લોકોનો પર્દાફાશ કર્યો, તેમનો જીવ જોખમમાં મૂક્યો, કારણ કે કોંગ્રેસ ઈચ્છતી હતી કે સુદાનમાં એકપણ ગોળી વાગી તો કર્ણાટકમાં તેમને રમત રમવાનો મોકો મળશે.

તેમણે કહ્યું હતું કે આ સમગ્ર રાજકારણમાં એક વાત સમજાઈ ગઈ છે કે કોંગ્રેસ હજુ પણ મોદીને ઓળખી શકી નથી. કોંગ્રેસીઓએ જાણવું જોઈતું હતું કે મુશ્કેલીમાં મુકાયેલા ભારતીયોને બચાવવા માટે મોદી કોઈપણ હદ વટાવી શકે છે. મોદીને નુક્સાન પહોંચાડવા માટે કોંગ્રેસ દેશને નુક્સાન પહોંચાડવામાંથી બચતી નથી.

વડાપ્રધાને કહ્યું હતું કે જ્યારે દેશમાં કોરોના રોગચાળો ફેલાયો ત્યારે કોંગ્રેસે અફવાઓ ફેલાવી, કોંગ્રેસ ઈચ્છતી હતી કે વધુ ને વધુ લોકો મૃત્યુ પામે. આ લોકોની ધમકીઓ અને ષડયંત્રો સામે મોદી ન તો ઝૂક્યા છે અને ન ઝૂકશે. મોદી નમશે તો ૧૪૦ કરોડ દેશવાસીઓ સામે ઝૂકશે, તમે મારા ગુરુ છો.

રાજસ્થાનમાં છેલ્લાં ૫ વર્ષમાં રાજકારણનું બિહામણું સ્વરૂપ જોવા મળ્યું છે. ખુરસી લૂંટવાની અને ખુરસી બચાવવાની રમત અહીં ચાલી રહી છે. આ કેવી સરકાર છે કે મુખ્યમંત્રીને પોતાના ધારાસભ્યો પર વિશ્ર્વાસ નથી, આ કેવા પ્રકારની સરકાર છે કે ધારાસભ્યોને મુખ્યમંત્રી પર વિશ્ર્વાસ નથી. દરેક જણ એકબીજાને અપમાનિત કરવાની સ્પર્ધામાં છે. આવી સ્થિતિમાં રાજસ્થાનના વિકાસની ફિકર કોણ કરશે.

કોંગ્રેસના શાસનમાં રાજસ્થાનમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. રાજસ્થાનમાં જ્યાં ગુનાઓ ભાગ્યે જ સાંભળવા મળતા હતા ત્યાં હવે ગુનેગારો નિર્ભયપણે ફરતા થયા છે. વોટબેંકની ગુલામીમાં ચાલી રહેલી કોંગ્રેસ લોકો પર કાર્યવાહી કરતી નથી. આની સૌથી મોટી કિંમત માતાઓ, બહેનો અને પુત્રીઓએ ચૂકવવી પડી છે. તેમને શંકા અને આશંકાઓ વચ્ચે પણ ત્રીજ-ઉત્સવ ઊજવવો પડે છે.

વડાપ્રધાને કહ્યું હતું કે કોંગ્રેસે દાયકાઓથી જે પ્રકારની રાજનીતિ કરી છે એનું સૌથી વધુ નુક્સાન દલિત-પછાત અને આદિવાસી સમાજને થયું છે. આદિવાસી સમાજે દાયકાઓથી કોંગ્રેસ પર વિશ્ર્વાસ કર્યો છે. કોંગ્રેસના કુશાસનને કારણે સિરોહી, જેસલમેર, કરૌલી, બારાનમાં વિકાસ થયો નથી. કોંગ્રેસ એમનાથી દૂર રહી હતી, તમે ભાજપને તક આપી અને તેમને મહત્ત્વકાંક્ષી જિલ્લા તરીકે જાહેર કર્યા. આજે આ મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓને રૂ. ૫,૦૦૦ કરોડના પ્રોજેક્ટના શિલાન્યાસથી સૌથી વધુ ફાયદો થશે.