રાજકોટ,\ ગુજરાતમાં લોક્સભા ચૂંટણીનો જંગ જામ્યો છે. રાજ્યની ૨૬ લોક્સભા અને વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ૧૯મી એપ્રિલે ઉમેદવારી પત્ર ભરી દીધા હતા. ભાજપે રાજકોટ બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે દરગાહમાં ચૂંટણી પ્રચાર બદલ આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરવા ચૂંટણી પંચને રજૂઆત કરી છે.
કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની ભાજપે ચૂંટણી પંચને રજૂઆત કરી છે. ભાજપે દાવો કર્યો છે કે, કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ વાંકાનેરમાં ધાર્મિક સ્થળ દરગાહની મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે કોંગ્રેસ પક્ષના ચૂંટણી ચિન્હ વાળો ખેસ પહેરીને દરગાહ ઉપર ફુલ અને ચાદર ચઢાવી હતી. કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હોવા છતા તેમણે ધામક સ્થળનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કર્યો છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જ્યારે પણ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે, ત્યારે એક આચારસંહિતા લાગુ કરવામાં આવે છે, જેની મદદથી ચૂંટણી સંપૂર્ણપણે નિષ્પક્ષ અને મુક્ત રીતે થઈ શકે છે. આદર્શ આચારસંહિતા એટલે કે ચૂંટણી પંચની સૂચનાઓ જેનું દરેક પક્ષે ચૂંટણીના અંત સુધી પાલન કરવાનું રહેશે. આ અંતર્ગત કેટલાક નિયમો નક્કી કરવામાં આવે છે, જેનું સંબંધિત રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પાલન કરવાનું હોય છે. ચૂંટણીની તારીખની જાહેરાત સાથે ચૂંટણી આચારસંહિતા અમલમાં આવે છે અને ચૂંટણીના સમાપન સુધી ચાલુ રહે છે.