કોંગ્રેસ સરકારે આઇએએસ અધિકારીઓને વિપક્ષી નેતાઓની સેવામાં મૂક્યા : કુમારસ્વામી

  • ગઠબંધન કરીને સત્તા મેળવવાના લોભમાં કોંગ્રેસે કર્ણાટકના ગૌરવ, વારસા અને સ્વાભિમાનનો અગ્નિસંસ્કાર કર્યો છે.

બેંગ્લુરુ, પૂર્વ મુખ્યમંત્રી અને જનતા દળ (સેક્યુલર)ના નેતા એચડી કુમારસ્વામીએ કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે વિપક્ષી એક્તાની બીજી બેઠક મંગળવારે બેંગલુરુમાં યોજાવાની છે. કોંગ્રેસ સરકારે તેમાં હાજરી આપનાર વિપક્ષી પાર્ટીઓના નેતાઓની સેવા માટે ૩૦ આઇએએસ અધિકારીઓની નિયુક્તિ કરી છે. કુમારસ્વામીએ રાજ્ય સરકાર પર આઇએએસ બોન્ડેડ લેબર પોલિસી લાવવાનો આરોપ લગાવ્યો હતો.

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે આઇએસએસ અધિકારીઓ રાજ્યની ક્ષમતા અને કાર્યક્ષમતાનું પ્રતીક છે અને આ અધિકારીઓને રાજકારણીઓની સેવા કરવા માટે દ્વારપાલ તરીકે પોસ્ટ કરવું એ અખિલ ભારતીય સેવાઓ (આચાર) નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

એક ટ્વિટમાં, કુમારસ્વામીએ નેતાઓને હોસ્ટ કરવા માટે નિયુક્ત આઇએએસ અધિકારીઓના નામોની સૂચિ શેર કરી. તેમણે આરોપ લગાવ્યો છે કે ગઠબંધન કરીને સત્તા મેળવવાના લોભમાં કોંગ્રેસે કર્ણાટકના ગૌરવ, વારસા અને સ્વાભિમાનનો અગ્નિસંસ્કાર કર્યો છે. કૉંગ્રેસના કર્ણાટક યુનિટે તેના ગઠબંધન નેતાઓને સેવા આપવા માટે આઇએએસ અધિકારીઓની નિયુક્તિ કરીને ખોટું કર્યું છે. શબ્દો અને કાર્યોમાં ફરક ન હોવાનો શું તેનો અર્થ આ જ હતો?

જેડીએસ નેતાએ કહ્યું કે આ ન તો રાજ્ય સરકારનો કાર્યક્રમ હતો કે ન તો નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ. આ માત્ર રાજકીય બેઠક છે. તમારા ગઠબંધનના નેતાઓને હોસ્ટ કરવા માટે જવાબદાર અધિકારીઓની નિમણૂક એ ઘોર અન્યાય છે અને રાજ્યના ૬.૫ કરોડ કન્નડ લોકોનું મોટું અપમાન છે.

કુમારસ્વામીએ કહ્યું કે આઇએએસ અધિકારીઓ રાજ્યની ક્ષમતા અને કાર્યક્ષમતાનું પ્રતિક છે અને તેઓ રાજ્યના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ અધિકારીઓને રાજકારણીઓની સેવા કરવા માટે ’ગેટ કીપર’ તરીકે તૈનાત કરવા એ શાસક પક્ષનો ઘમંડ દર્શાવે છે. તેમણે વધુમાં કહ્યું કે મને આશ્ર્ચર્ય થયું કે અધિકારી આ કામ કરવા માટે સંમત થયા જ્યારે તેઓ જાણતા હતા કે તેનાથી તેમના આત્મસન્માન અને ગૌરવને ઠેસ પહોંચશે. તેમણે કહ્યું કે આવો વિવાદાસ્પદ આદેશ જારી કરનાર મુખ્ય સચિવ લોકો માટે જવાબદાર છે.