કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીને મળી રાહત, લોક્સભા સમિતિએ સસ્પેન્શન રદ કર્યું

કોંગ્રેસના સાંસદ અધીર રંજનને મોટી રાહત મળી છે. અધીર રંજન ચૌધરીનું લોકસભાથી સસ્પેન્શનને રદ્દ કરી દેવાયું છે. આ પહેલા લોકસભાની વિશેષાધિકાર સમિતિએ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીના સસ્પેન્શનને રદ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીને સંસદના ચોમાસું સત્ર દરમિયાન તેમની કેટલીક ટિપ્પણીઓના કારણે સસ્પેન્ડ કરી દેવાયા હતા.

કોંગ્રેસ સાંસદે ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુનીલ સિંહની આગેવાની હેઠળની સમિતિને કહ્યું કે તેમનો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો ન હતો. સમિતિએ અધીર રંજન ચૌધરીના સસ્પેન્શનને રદ કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. ચોમાસુ સત્ર દરમિયાન તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અધીર રંજન ચૌધરીએ આજે ​​લોકસભાની વિશેષાધિકાર સમિતિની બેઠકમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

વિશેષાધિકાર સમિતિ સમક્ષ હાજર થઈને ભાજપના સાંસદ જનાર્દન સિગ્રીવાલે પણ પોતાનું નિવેદન નોંધ્યું હતું. નોંધનીય છે કે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ સંસદના તાજેતરમાં પૂરા થયેલા ચોમાસુ સત્રમાં લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને કરેલી કેટલીક ટિપ્પણીઓ અને તેના આચરણને કારણે 10 ઓગસ્ટે ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ સાથે તેમની સામેનો મામલો વિશેષાધિકાર સમિતિને તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. 18 ઓગસ્ટના રોજ વિશેષાધિકાર સમિતિ દ્વારા આ બાબત પર વિચાર કરવામાં આવ્યો હતો. સમિતિએ આજરોજ સાંસદ અધીર રંજન ચૌધરીને પોતાનો પક્ષ રજૂ કરવા માટે બોલાવ્યા હતા.