કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા પાસેથી કોથળા ભરીભરીને ટ્રકમાં પૈસા લઈ જવા પડ્યા

ઝારખંડમાં કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના ઠેકાણાઓ પર ઈન્કમ ટેક્સની રેડ ચાલી રહી છે. આ રેડમાં જાણે કોઈ ખજાનો મળી ગયો હોય તેટલા રૂપિયા રોકડા મળી રહ્યા છે. રાંચી, લોહરદગા અને ઓડિશાના અનેક ઠેકાણાઓ પર આ રેડ પાડવામાં આવી હતી. સાંસદ પાસેથી એટલા બધા રૂપિયા મળ્યા કે તેને લઈ જવા માટે તંત્રને ટ્રકની જરૂર પડી. 

આટલું જ નહીં નોટોને ગણવા માટે લાવવામાં આવેલ મશીનો પણ ફેલ થઈ ગઈ. ન્યૂઝ એજન્સીઓ પાસેથી મળતી માહિતી અનુસાર જે રૂપિયા ઝડપાયા છે તેમાંથી 200 કરોડ રૂપિયાની ગણતરી થઈ ગઈ છે અને અધિકારીઓ કહી રહ્યા છે કે હજુ તો અડધા રૂપિયા ગણાવાના બાકી છે. એક અંદાજ અનુસાર 300 કરોડ રૂપિયાથી વધુ કેશ ઝડપાઇ છે. 

નોંધનીય છે કે ધીરજ સાહુ અને તેમના પરિજનો દારૂની કંપની ચલાવે છે. બળદેવ સાહૂ એન્ડ ગ્રુપ ઑફ કંપનીઝ આ જ સાહૂ પરિવારની છે. છેલ્લા 40 વર્ષથી આ પરિવાર દારૂ બનાવે છે. ધીરજ સાહુના પિતાના નામથી કંપનીનું નામ રાખવામાં આવ્યું છે. ચૂંટણીમાં ભરવામાં આવતા ફોર્મમાં ધીરજ સાહુએ પોતાની સંપત્તિ માત્ર 34 કરોડ રૂપિયા દર્શાવી હતી.  તો સવાલ એ થાય છે કે અબજો રૂપિયાની રોકડ રકમ કોની છે? 

IT વિભાગે સૌથી પહેલા બળદેવ સાહુ કંપનીની પાર્ટનરશીપ ફર્મ પર કાર્યવાહી શરૂ કરી હતી. પૈસા લઈ જવા માટે 157 બેગ લાવવામાં આવી, બેગ ઓછા પડ્યા તો કોથળામાં પૈસા ભરવામાં આવ્યા અને તે બાદ ટ્રકમાં તમામ નાણાં ભરીને બેન્કમાં લઈ જવામાં આવ્યા. 

સાંસદ ધીરજ સાહુ હાલ રાજ્યસભાના સાંસદ છે, આ પહેલા તેઓ ચતરા લોકસભા સીટ પરથી બે વખત કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી ચૂક્યા છે, જોકે બંને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો ધીરજ સાહુ ત્રણ વખતથી સતત રાજ્યસભાના સાંસદ છે, તેમના ભાઈ શિવપ્રસાદ સાહુ લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. ધીરજ પ્રસાદ સાહુ વર્ષ 2009માં પહેલીવાર રાજ્યસભાના સાંસદ બન્યા હતા, જે બાદ 2010માં બીજી વાર અને 2018માં ત્રીજી વાર તેઓ સાંસદ બન્યા.