કોંગ્રેસ પાર્ટી અને સરદાર સાહેબ એ બન્ને એક પરીવારનો ભાગ છે. એટલે એને કોઈ અલગ કરી ના શકે : કોંગ્રેસ

અમદાવાદ, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૮મી જન્મ જયંતી અને પ્રિયદર્શીની ઈન્દિરા ગાંધીની ૩૯મા શહિદ દીન નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો-આગેવાનોએ પુષ્પાંજલી અર્પણ કરીને નમન કર્યા હતા અને તેમના કાર્યોને યાદ કર્યા હતા. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી. જેમાં પણ, મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો અને ખાસ કરીને મહિલા કોંગ્રેસની બહેનોએ રક્તદાન કરીને સેવા કાર્યમાં જોડાયા હતા.

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, સમજાવવાનો કે પાછા પાડવાનો પ્રયત્ન કરતા હોય તેવા લોકોએ સમજવાની જરૂર છે કે આ સરદાર સાહેબના પથ ઉપર તેમના વિચારોથી એમના સિદ્ધાંતોને લઈને ચાલવા વાળો કોંગ્રેસનો કાર્યકર છે જે સંઘર્ષ કરીને દેશની એક્તા અખંડિતતા માટે કામ કરતો રહેશે. ખુબ અફવાઓ અને ખોટો પ્રચાર કરવામાં આવ્યો. કોંગ્રેસની ગુજરાતની વાત કરીએ કે ગુજરાતની જેટલી જાહેર સંસ્થાઓ છે જેટલા જાહેર કાર્યો છે એ મોટા ભાગની જાહેર સંસ્થાઓ અને કાર્યો સાથે સરદાર સાહેબનું નામ જોડવાનું કામ એક માત્ર કોંગ્રેસ પક્ષે કર્યું છે. સરદાર સરોવર ડેમ હોય, અમદાવાદનું સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ હોય કે આપણુ વિધાનસભાનું સચિવાલય, કે પાલડીનું બ્રીજ હોય, અમદાવાદનુ પહેલુ કોર્પોરેશન ભવન, સ્પીપા હોય કે એવા અનેક કાર્યો આપણે ગણાવી શકીએ કે જે કોંગ્રેસના શાસનકાળમાં ખુબ ઉપયોગી કાર્યો-સંસ્થાઓ બની અને તમામે તમામ કાર્યોને સરદાર સાહેબના નામ સાથે જોડી તેમનું જે વિરાટ નેતૃત્વ હતુ તેને અમર બનાવવાનું કામ પણ કોંગ્રેસ પક્ષે કર્યું છે. કોંગ્રેસ પાર્ટી અને સરદાર સાહેબ એ બન્ને એક પરીવારનો ભાગ છે. એટલે એને કોઈ અલગ કરી ના શકે અને કોઈ ગમે તેટલો પ્રયત્ન કરે ભાજપના નેતાઓ ગમે તેટલા ભાષણો કરે કે ગમે તેટલુ પોતાની જાતને સરદાર સાહેબની સરખામણી કરવાનો પ્રયત્ન કરે પણ સરદાર સાહેબની ક્યારેય સરખામણી હોય જ નહી. સરદાર સાહેબને કોંગ્રેસમાંથી ક્યારેય અલગ પાડી પણ નહી શકે, એ સંદેશ આપણે આજના દિવસે આ ગુજરાતના જન જન સુધી પહોંચાડવાનો છે.

સ્વ. ઈન્દિરાજીનું નેતૃત્વ કે જેમણે ખાલી સત્તા માટે નહી પણ પ્રજા માટે શાસન કર્યું. ગરીબી હટાવોની વાત હોય, બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવાની વાત હોય કે પાકિસ્તાનના બે ટુકડા કરવાની વાત હોય એમના શાસનકાળમાં જે જે નિર્ણયો થયા, જે જે કાયદા – કાનુન બન્યા એના કારણે આજે પણ દેશ અને વિશ્ર્વ એમને યાદ કરે છે. એટલુ જ નહી પણ આજના સમયના પરિપેક્ષમાં જોઈએ જેમ ઈન્દિરાજીએ રજવાડાઓના સાલીયાણાઓ બંધ કર્યા અને એ જે રકમો હતી તે સરકારી ખજાનામાં ગરીબો માટે ખુલ્લો મુક્યો. આજે ભાજપની સરકાર પાછા રજવાડાઓ ઉભા કરવા જઈ રહ્યાં છે. આજે રજવાડાઓ ન રહ્યા પણ અદાણી અને અંબાનીના નામે રજવાડાઓ ઉભા થઈ રહ્યાં છે. કોંગ્રેસના શાસનમાં અમીરો પાસેથી પૈસા લઈ ગરીબો સુધી પહોંચાડ્યા અને આજે ભાજપનું શાસન છે કે ગરીબો પાસેથી પૈસા લઈ અમીરોને પહોંચાડવાનું કામ કરે છે. શાસન વચ્ચેનું ફરક પણ આપણે લોકો વચ્ચે લઈ જવુ પડશે.

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને પ્રિયદર્શની ઈન્દિરા ગાંધીની શહિદદીન નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલ, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પંકજ શાહ, મહામંત્રીશ્રી બળદેવભાઈ લુણી, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુમ્મર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન કોંગ્રેસ પક્ષના નેતા શેહઝાદખાન પઠાણ, કોર્પોરેટરશ્રી હાજીભાઈ મિરઝા, ઈમ્તિયાઝ શેખ, સેવાદળના પ્રદેશ અધ્યક્ષ વિજયભાઈ પટેલ, શ્રી કિરણભાઈ પ્રજાપતિ, શહેર મહિલા પ્રમુખ કામિનીબેન સોની, શહેર સેવાદળના વિરમ દેસાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો ઉપસ્થિત રહી પુષ્પાંજલી અર્પણ કરીને બન્ને મહાનુભાવના રાષ્ટ્રિય યોગદાનને યાદ કર્યુ હતુ.