દાહોદ,
વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ચૂંટણીનો જંગ જીતવા કથળેલી સ્થિતિમાં પણ કાઠુ કાઢવા કોંગ્રેસે કમર ક્સી છે. ભાજપની પ્રચાર રણનિતી અનુસાર કોંગ્રેસ આગળ વધી રહી છે. ગુજરાત કોંગ્રેસે પણ રાજ્યમાં ઝોન પ્રમાણે પરિવર્તન સંકલ્પ યાત્રા કાઢી છે, ત્યારે મય ઝોનની પરિવર્તન સંકલ્પ યાત્રા ફાગવેલથી શરૂ થઈને ૯ જિલ્લામાં ફરશે. જે અંતર્ગત આજે દાહોદ જિલ્લામાં ઝાલોદથી યાત્રાની શરૂઆત થઇ છે. આ યાત્રા ઝાલોદથી શરૂ થઇને જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ફરીને છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશ કરશે.
ગઈકાલે પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરતા પહેલા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત અન્ય કૉંગ્રેસના નેતાઓએ અંબાજી માતાના ચરણોમાં શીશ ઝૂકાવ્યું હતું. ભરતસિંહ સોલંકીએ વિધાનસભાની ચૂંટણીમાં ૧૨૫ બેઠક જીતવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતુ કે કાણોદર વડગામથી શરૂ થયેલી પરિવર્તન સંકલ્પ યાત્રા ઉત્તર ગુજરાતમાં ફરશે અને લોકોના આશીર્વાદ મેળવશે. મહત્વનું છે કે, મોરબી દુર્ઘટનાને પગલે એક દિવસ યાત્રા મોકૂફ રાખીને ગઈકાલથી શરૂ કરવામાં આવી છે.
મોટાભાગે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બે-ત્રણ મહિના અગાઉ કોંગ્રેસ પ્રચાર કરીને ઘણી બેઠકો પર જીત મેળવવામાં કામયાબ રહી છે. જો કે આ વખતે રાજકીય સમીકરણો અને સ્થિતિ કંઈક જુદો જ રાગ આલાપી રહ્યા છે. આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ‘કોંગ્રેસનું કામ બોલે છે’ સુત્રથી પ્રચાર કરી રહી છે. જો કે હવે કોંગ્રેસે ભાજપની જ રણનિતી અનુસાર પ્રચાર કરવા કમર ક્સી છે. ભાજપ ગૌરવ યાત્રા થકી ગુજરાતને ધમરોળી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ પણ મહતમ બેઠકો હાંસલ કરવા પરિવર્તન સંકલ્પ યાત્રા થકી સમગ્ર ગુજરાતમાં પ્રચાર કરી રહી છે.