
- નામજોગ ફરિયાદ પણ પોલીસે ન લેતા પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી દ્વારા રાહુલ ગાંધીને ગુજરાત આવવા માટે અપીલ કરાઈ
અમદાવાદમાં મંગળવારે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલી મારામારી બાદ રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી પ્રબળ શક્યતા છે. કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે થયેલી બબાલ બાદ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી નામજોગ ફરિયાદ પણ પોલીસે ન લેતા પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી દ્વારા રાહુલ ગાંધીને ગુજરાત આવવા માટે અપીલ કરાઈ છે.
લોક્સભાના નેતા વિપક્ષ રાહુલ ગાંધી ૬ જૂલાઈએ શનિવારે ગુજરાત આવે તેવી પ્રબળ શક્યતા છે. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલી મારામારીની ઘટના બાદ પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર સહિત અનેક કોંગી કાર્યર્ક્તાઓની અટકાયત કરી હતી. જે બાદ કોંગ્રેસ દ્વારા પણ પોલીસને વીડિયો ફુટેજ રજૂ કરી ભાજપના કાર્યર્ક્તા વિરુદ્ધ નામજોગ ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ પોલીસે હજુ સુધી કોંગ્રેસની ફરિયાદ ન લેતા આ અંગે પ્રદેશ નેતાગીરી દ્વારા રાહુલ ગાંધીને અપીલ કરવામાં આવી છે.
મારામારીની ઘટના બાદ પોલીસે કોંગ્રેસના ૫ કાર્યર્ક્તાઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આથી કાર્યર્ક્તાઓનુ મોરલ બુસ્ટ અપ કરવા પણ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લે તે પ્રકારની વિગતો પણ સામે આવી છે. કાર્યર્ક્તાઓમાં એક સંદેશો પહોંચે કે તેઓ આ લડાઈમાં એકલા નથી, પાર્ટીનું શિર્ષ નેતૃત્વ પણ તેમની સાથે છે, અને પ્રશાસન પર પણ કોંગ્રેસની ફરિયાદ સંદર્ભે દબાણ લાવી શકાય તે બંને બાબતોને યાને રાખી રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત અંગે નિર્ણય કરાયો હોવાની વિગતો હાલ મળી રહી છે.
જો કે ૭મી જૂલાઈએ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૭મી મહારથયાત્રા નીકળવાની હોવાથી મોટાભાગના પોલીસકર્મીઓ તેમા બંદોબસ્તમાં હશે. આથી તંત્ર દ્વારા રાહુલ ગાંધીને ૬ જૂલાઈએ ન આવતા રથયાત્રા પછીના દિવસમાં આવવા જણાવાયુ છે. જોકે પ્રદેશનેતાગીરી દ્વારા રાહુલ ગાંધીને આમંત્રણ આપી દેવામાં આવ્યુ છે અને રાહુલની ટીમ દ્વારા પણ આ અંગેનુ કન્ફર્મેશન આપી દેવાયુ છે કે તેઓ અમદાવાદ આવી રહ્યા છે. રાહુલ ગાંધી આ મુલાકાત દરમિયાન એ તમામ કોંગ્રેસના કાર્યર્ક્તાઓ અને કોંગ્રેસના નેતાઓને મળશે જેઓ પથ્થરમારાની ઘટના બની એ સમયના પ્રત્યક્ષદર્શીઓ હતા.
મંગળવારની એ સાંજ જ્યારે લોક્સભામાં એક્તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરી રહ્યા હતા અને એ જ સમયે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહારથી મારામારી અને પથ્થરમારાના હિંસક દૃશ્યો સામે આવ્યા. આ ઘટના પાછળ કારણ હતુ સોમવારે રાહુલ ગાંધી દ્વારા લોક્સભામાં હિંદુ સમાજ અંગે કરાયેલી વિવાદી ટિપ્પણી. લોક્સભામાં રાહુલ ગાંધીની હિંદુઓ વિશે કરેલી ટિપ્પણી બાદ દેશભરમાં ભાજપના કાર્યકરો અને હિંદુ સંગઠનો દ્વારા આક્રમક વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ જ નિવેદનના વિરોધમાં મંગળવારે ૨ જૂલાઈની સાંજે કોંગ્રેસ કાર્યાલય બહાર વિરોધ કરવા આવેલા ભાજપના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી અને પથ્થરબાજી થઈ હતી..
જેમા કોંગ્રેસનો આરોપ છે કે પોલીસે માત્ર એક્તરફી વલણ દાખવ્યુ, પોલીસની મંજૂરી વિના ભાજપના કાર્યકરોનું ટોળુ કોંગ્રેસ ભવન પર ધસી આવ્યુ અને દેખાવોના નામે પથ્થરમારો કરાયો હતો. છતા પોલીસે તેમને રોક્યા ન હતા માત્ર મૂકપ્રેક્ષક બની રહી હતી. કોંગ્રેસનો આરોપ છે કે પોલીસે ધારાસભ્ય શૈલેષ પરમારને કોલર પકડીને લઈ ગઈ હતી અને એક્તરફી કાર્યવાહી કરી. પોલીસે માત્ર ભાજપની ફરિયાદ લઈ લીધી પરંતુ કોંગ્રેસે વીડિયો ફુટેજ સહિત ભાજપના કાર્યકરો સામે નામજોગ ફરિયાદ આપી તો પોલીસે તે લેવાનો ઈનકાર કરી દીધો. જો કે પોલીસે આ મામલે ટોળા વિરુદ્ધ બે અલગ અલગ ગુના નોંયા છે. જેમા કોંગ્રેસના ૨૦૦ જેટલા કાર્યકરોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જ્યારે બીજી ફરિયાદ પોલીસ પરના હુમલાની નોંધવામાં આવી છે