કોંગ્રેસની મોટી જાહેરાત: ભારત જોડો યાત્રા બાદ પ્રિયંકાની આગેવાનીમાં દેશભરમાં નવું અભિયાન ચલાવશે

નવીદિલ્હી,

અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કોંગ્રેસ સ્ટીયરિંગ કમિટીની બેઠક બોલાવી હતી. જેમાં તેમણે તમામ પદાધિકારીઓને પોત-પોતાના જિલ્લાનો હિબાસ માગ્યો અને કહ્યું કે, ગમે તેવા સંજોગોમાં પણ લોકોના કામ કરો. આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, અશોક ગેહલોત સહિત તમામ મોટા નેતાઓ જોડાયા હતા. આ બેઠકમાં પાર્ટીને લઈને કેટલાય નિર્ણયો લેવાયા હતા. જેમાં એ જાહેરાત કરવામા આવી હતી કે, ભારત જોડો યાત્રા હવે કોંગ્રેસ હાથ સે હાથ જોડો અભિયાનની શરુઆત કરશે. તેની સાથે પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી આપવાની પણ વાત કરવામાં આવી છે.

ખડગે અધ્યક્ષ તરીકે ચૂંટાયા બાદ સ્ટીયરિંગ કમિટીની આ પ્રથમ બેઠક હતી. આ બેઠક બાદ જણાવ્યું હતું કે, ૨૬ જાન્યુઆરીની નજીક ભારત જોડો યાત્રા શ્રીનગર પહોંચશે. ત્યાર બાદ ૨૬ જાન્યુઆરીથી હાથ સે હાથ જોડો અભિયાન ચલાવશે. બે મહિના સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત બ્લોક સ્તર પર યાત્રા, જિલ્લા સ્તર પર અધિવેશન અને રાજ્ય સ્તર પર અધિવેશન કરવામાં આવશે. જેમાં ભારત જોડો યાત્રાનો મેસેજ અને મોદી સરકાર વિરુદ્ધ ચાર્જશીટ સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવશે. ખડગે સહિત પાર્ટીના તમામ નેતા આ કાર્યક્રમમાં ભાગ લેશે. કોંગ્રેસે એલાન કર્યું છે, પ્રિયંકા ગાંધી દરેક રાજ્યમાં મહિલા માર્ચનું નેતૃત્વ કરશે.

મલ્લિકાર્જૂન ખડગેએ આ દરમિયાન બેઠકમાં હાજર રહેલા તમામ મહાસચિવો અને પ્રભારીઓ પાસેથી જમીની સ્તર પર શું શું ફેરફાર થયો તેને લઈને સવાલો કર્યા હતા. તેમણે પુછ્યું કે, આપ તમામ જવાબદારી પ્રાંત પર જાવ છો ? શું આપે સ્થાનિક સમસ્યાઓ જાણી છે? જિલ્લા અને બ્લોક સ્તર પર છેલ્લા પાંચ વર્ષમાં શું બદલાયું તેને લઈને પણ જાણકારી એકઠી કરી હતી.