બેંગ્લુરુ,કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ શુક્રવારે એક સમર્થકને થપ્પડ મારી હતી. આપને જણાવી દઈએ કે કોંગ્રેસ ટૂંક સમયમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવા જઈ રહી છે, આવી સ્થિતિમાં સમર્થકો તેમના નેતાને ટિકિટ અપાવવાના પ્રયાસો કરી રહ્યા છે. આ સંદર્ભમાં, હરિહર કોંગ્રેસના ધારાસભ્ય રામપ્પાના સમર્થકો આજે સવારે સિદ્ધારમૈયાના ઘરની બહાર એકઠા થયા હતા. તેમનો ઈરાદો તેમના નેતા રામપ્પાને ટિકિટ આપવા માટે સિદ્ધારમૈયા પર દબાણ લાવવાનો હતો.
તેમના ઘરની બહાર રામાપ્પાના સમર્થકોની ભીડ જોઈને સિદ્ધારમૈયા બહાર આવ્યા. આ દરમિયાન રામાપ્પાના સમર્થકોએ તેમને ઘેરી લેવાનો પ્રયાસ કર્યો, જેનાથી તેઓ ગુસ્સે થઈ ગયા. આ ગુસ્સામાં સિદ્ધારમૈયાએ એક સમર્થકને થપ્પડ મારી હતી. આ પછી તે પોતાની કારમાં જતા રહ્યા હતા. જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે સિદ્ધારમૈયા કોઈને થપ્પડ મારતા જોવા મળ્યા હોય. અગાઉ સપ્ટેમ્બર ૨૦૧૯ માં પણ, સિદ્ધારમૈયા મૈસુર એરપોર્ટ પર તેમના સાથીદારને ગાલ પર થપ્પડ મારતા કેમેરામાં ઝડપાયા હતા.
આપને જણાવી દઈએ કે કર્ણાટકમાં મે સુધીમાં વિધાનસભાની ચૂંટણી થવાની સંભાવના છે. આવા સંજોગોમાં વિવિધ પક્ષોના નેતાઓ ટિકિટ મેળવવા માટે પૂરા પ્રયાસો કરી રહ્યા છે. ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો, તે ચૂંટણીઓમાં ભાજપે ૨૨૪ વિધાનસભા બેઠકોમાંથી ૧૦૪ બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસ ૮૦ બેઠકો સાથે બીજા ક્રમે અને જનતા દળ સેક્યુલર ગઠબંધન ૩૭ બેઠકો સાથે ત્રીજા ક્રમે છે. જો કે, આશ્ર્ચર્યજનક વાત એ હતી કે ૨૦૧૮માં કોંગ્રેસને ૩૮.૧૪ ટકા વોટ મળ્યા હતા જ્યારે ૩૬.૩૫ ટકા લોકોએ ભાજપની તરફેણમાં વોટ કર્યા હતા.