નવીદિલ્હી,કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સામે, મોદી અટકને બદનામ કરવાના કેસમાં સુરત સેશન્સ કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જો કે રાહુલ ગાંધીએ કોર્ટના આ ચૂકાદા સામે જામીન પણ મેળવી લીધા હતા. પરંતુ રાહુલ ગાંધી સામે જે રીતે માનહાનીનો કેસ દાખલ થયો તેવો જ કેસ વડાપ્રધાન મોદી સામે કરવા માટે કોંગ્રેસે તૈયારીઓ કરી દીધી છે. કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ કહ્યું કે તેઓ ૨૦૧૮માં સંસદમાં કરેલી ‘શુપર્ણખા’ ટિપ્પણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરશે.
૨૦૧૯ના માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને કોર્ટે કરેલ સજાને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રેણુકા ચૌધરીએ ગઈકાલ ગુરુવારે અજૂગતી ગણાવી હતી. રેણુકા ચૌધરીએ તેમના ટ્વિટર હેન્ડલ પર ૨૦૧૮ ની સંસદની ક્લિપ પણ શેર કરી હતી. જેમાં પીએમ મોદી રાજ્યસભાના અધ્યક્ષ ને કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીને બોલવા દેવા માટે કહી રહ્યા છે. આ વીડિયોને શેર કરતા રેણુંકાએ લખ્યુ છે કે, “તેમણે (પીએમ મોદીએ) મને સદનના લોર પર શુપર્ણખા તરીકે ઓળખવી. હું તેમની સામે માનહાનિનો કેસ કરીશ. જોઈએ હવે કોર્ટ કેટલી ઝડપી કાર્યવાહી કરે છે.”
રેણુકા ચૌધરીએ કહ્યું કે તેઓ, ૨૦૧૮માં રાજ્યસભામાં વડાપ્રધાને કરેલી ટિપ્પણીને લઈને પીએમ મોદી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરશે. રાહુલ ગાંધી પર સુરત કોર્ટના નિર્ણય બાદ વિપક્ષના અનેક નેતાઓએ અવાજ ઉઠાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે વર્તમાન સરકાર ઈડી, સીબીઆઈ જેવી એજન્સીઓ દ્વારા અથવા એફઆઈઆર, માનહાનિના કેસ દ્વારા વિપક્ષી નેતાઓનો અવાજ બંધ કરવાનો પ્રયાસ કરી રહી છે. જુઓ ૭ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ રાજ્યસભામાં પીએમ મોદીએ શુ કહ્યું હતુ ? ૫.૫૦ મિનિટના આ વીડિયોમાં વડાપ્રધાન, રેણુંકા ચૌધરી સંદર્ભે રાજ્યસભામાં શું બોલી રહ્યાં છે. સાંભળો શું કહ્યુ હતુ પીએમ મોદીએ ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં તેમના સંબોધન દરમિયાન, રેણુકા ચૌધરીને કશુ ના કહેવા માટે રાજ્યસભાના અયક્ષને જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “સભાપતિજી, રેણુંકાજીને તમે કશુ ના કહેશોપ. સભાપતિજી મારી આપને વિનંતી છે રેણુંકાજીને કશુ ના કહેશો, રામાયણ સીરીયલ પછી આવુ સુંદર હાસ્ય સાંભળવાનુ આજે સૌભાગ્ય મળ્યું છે.”
કોંગ્રેસે રાહુલ ગાંધી સામેના કેસ પરના ચુકાદાના વિરોધમાં વિરોધ માર્ચ કાઢવાની જાહેરાત કરી છે. કોંગ્રેસના નેતાઓ સંસદથી વિજય ચોક સુધી વિરોધ રેલી કાઢશે. અન્ય વિપક્ષી નેતાઓ સાથેની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે ઘણા બિન-કોંગ્રેસી મુખ્યપ્રધાન, વિપક્ષી નેતાઓએ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ બોલ્યા છે અને રાહુલ ગાંધીને સમર્થન આપ્યું છે.