કોંગ્રેસના નેતા કમલનાથ શિવરાજ સિંહને હસતા હસતા મળ્યા, ઘરે જઈને અભિનંદન આપ્યા

ભોપાલ, રાજયમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા કમલનાથ સીએમ શિવરાજ સિંહ ચૌહાણને તેમના ઘરે મળવા પહોંચ્યા છે. આ બેઠકનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બંને નેતાઓ હસતા જોવા મળી રહ્યા છે. બેઠક દરમિયાન બંને નેતાઓએ એકબીજાને ફૂલ આપીને આવકાર્યા હતા. નોંધનીય છે કે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ કુલ ૨૩૦ બેઠકોમાંથી ૧૬૩ બેઠકો જીતીને જંગી બહુમતી હાંસલ કરી છે.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કોંગ્રેસ નેતા કમલનાથ વિવિધ રાજકીય પક્ષોનું પ્રતિનિધિત્વ કરે છે. પરંતુ ચૂંટણી બાદ બંને નેતાઓની હસતી મુલાકાત ચર્ચાનો વિષય બની છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે બંને નેતાઓ એક્સાથે જોવા મળ્યા હોય, આ પહેલા પણ બંને નેતાઓ અનેક જાહેર કાર્યક્રમોમાં સાથે હસતા જોવા મળ્યા છે.

ચૂંટણી પહેલા પ્રચાર દરમિયાન બંને નેતાઓ એકબીજા પર આકરા પ્રહારો કરતા હતા. શિવરાજે ચૂંટણી સભાઓમાં છેલ્લા ૧૫ મહિનામાં કમલનાથ સરકારની નિષ્ફળતાઓ ગણાવી હતી, જ્યારે કમલનાથે પણ શિવરાજ સરકાર પર ખૂબ નિશાન સાધ્યું હતું. કમલનાથને વિશ્ર્વાસ હતો કે આ વખતે રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવશે, જો કે રાજ્યમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.