કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને જગદીશ ઠાકોરે ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી

 કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠક પૂર્ણ થઈ છે. CEC માં ૬ રાજ્યોની ૬૨ બેઠકો પર ચર્ચા થઈ છે. આજે ગમે ત્યારે કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે. બીજી યાદીમાં ગુજરાતના નામોની પણ જાહેર થશે. ત્યારે આ પહેલા જ ગુજરાત કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે. ભરતસિંહ સોલંકી અને જગદીશ ઠાકોરે લોકસભાની ચૂંટણી ન લડવાની ઈચ્છા દર્શાવી છે. ભાજપના સીનિયર નેતાઓની જેમ કોંગ્રેસના સીનિયર નેતાઓ પણ સાનમાં સમજી ગયા છે કે, હવે પાર્ટી તેમને ટિકિટ નહિ આપે. હવે તેમનો રાજકીય સૂર્ય અસ્ત થયો છે, ત્યારે સમય પારખી ગયેલા નેતાઓએ ખુદ જ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. 

લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસમાં હલચલ જોવા મળી છે. ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. જમ્મુ કશ્મીર કોંગ્રેસના પ્રભારી ભરતસિંહ સોલંકી લોકસભા ચૂંટણી નહિ લડે. તેમણે ટ્વીટ કરી ચૂંટણી લડવા માટે અસમર્થતા દર્શાવી છે. તેમણે લખ્યું કે, તે આજીવન પાર્ટીનો કાર્યકર્તા રહીશ.

ગુજરાત કોંગ્રેસના પુર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે લોકસભાની ચુંટણી ન લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. એક વીડિયો જાહેર કરતાં જગદીશ ઠાકોરે કહ્યુ કે, હાઇ કમાન્ડે તેમણે ચુંટણી લડવા માટે આગ્રહ કર્યો હતો. જોકે રાજકારણમાં નવા ચહેરા આવે તેવી રાહુલ ગાંધીની ઇચ્છાને તેઓ માન આપે છે જેને ધ્યાને લઇ ચુંટણી ન લડવાના નિર્ણયને હાઇ કમાન્ડ સમક્ષ રાખ્યો છે. કોંગ્રેસ પક્ષે તેમને ઘણું આપ્યું હોવાથી નવા લોકોને ચાન્સ આપવાનો આગ્રહ કર્યો છે. વધુમાં તેમણે ઉમેર્યુ કે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ સારા ઉમેદવારોને ચાન્સ આપશે. જગદીશ ઠાકોરે ચૂંટણી નહીં લડવા માટે કારણ નાદુરસ્ત તબિયતને પણ આગળ ધરી છે. તેમણે જણાવ્યુ કે, હું અને મારો પરિવાર હંમેશા કોંગ્રેસ સાથે જોડાયેલા રહેશે ચૂંટણી લડતો હતો ત્યારે અને નથી લડવાનો ત્યારે પણ ખુશ છું. કોંગ્રેસ છોડીને જનારા નેતાઓને પણ જગદીશ ઠાકોરે આડે હાથ લીધા અને કહ્યું કે, નબળા સમયમાં કોંગ્રેસ છોડીને ગયા તેમણે કુદરત માફ નહીં કરે. જ્યારે પક્ષ છોડી જનારના દુઃખના દિવસો શરૂ થાય ત્યારે સમજવાનું કે ગદ્દારીનો જવાબ મળ્યો છે.

પોરબંદરથી લલિત વસોયા કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે. કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે વસોયાની ટેલિફોનિક વાતચીત થઈ હોવાનું સામે આવ્યુ છે. સૂત્ર અનુસાર, લલિત વસોયાને ફોનમાં પોરબંદરથી ચૂંટણી લડવા સૂચના અપાઈ છે. દિલ્હી CECની બેઠકમાંથી હાઈકમાન્ડનો વસોયા પર ફોન આવ્યો હતો. હાલ લલિત વસોયા રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે. જો તેમને પોરબંદરથી ટિકિટ અપાશે તો તેઓ ભાજપના મનસુખ માંડવિયા સામે ચૂંટણી લડશે. 

આ રાજ્યોની ઘણી બેઠકો પર ચર્ચા થઈ:

  • રાજસ્થાનના 13
  • એમપીના 16
  • ઉત્તરાખંડના 5
  • ગુજરાતના 14
  • આસામના 13
  • દમણ દીવ 1
  • દિલ્હી પર આજે કોઈ ચર્ચા નથી

આજે યુપીની સ્ક્રીનિંગ કમિટીની બેઠક યોજાઈ હતી, ત્યાંથી સીઈસી પાસે નામ આવશે ત્યારે ચર્ચા થશે

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બીજી બેઠક બાદ આજે મંગળવારે બીજી યાદી જાહેર થઈ શકે છે. સોમવારે યોજાયેલી બેઠકમાં 6 રાજ્યોમાં 62 બેઠકો પર ચર્ચા થઈ હતી. જેમાં લગભગ 40 નામો પર સર્વસંમતિ થઈ છે. ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર અશોક ગેહલોત, સચિન પાયલટ, જિતેન્દ્ર સિંહ, દિગ્વિજય સિંહ અને કમલનાથ લોકસભાની ચૂંટણી નહીં લડે.