અમદાવાદ,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે જેમાં કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને હારનો સામનો કરવો પડયો છે અને કોંગ્રેસ વિરોધ પક્ષનો દરજજો પણ હાંસલ કરે તેટલી બેઠકો જીતી શકી નથી જયારે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાનું ખાતુ ખોલ્યું છે અને તે રાષ્ટ્રીય પાર્ટી બની ગઇ છે.
જાહેર થયેલા પરિણામોમાં ભાજપની પ્રચંડ જીત અને કોંગ્રેસના રકાસ થતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ચૂંટણી પંચ ભાજપ સરકારના ઘુંટણિયે પડી ગયું હતું.ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસની દયનીય હાલત થઈ છે. ત્યારે ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે ભાજપે ચૂંટણીમાં અસામાજિક તત્વોનો ઉપયોગ કર્યો હતો.તેમણે ભાજપની પ્રચંડ બહુમતી માટે અને કોંગ્રેસના રકાસ માટે ચૂંટણી પંચ પર ઠીકરું ફોડયું હતું.
ગુજરાતના પરિણામો પહેલા કોંગ્રેસ દાવો કરી રહી હતી કે કોંગ્રેસની સરકાર ગુજરાતમાં આવશે અને કોંગ્રેસ કાર્યાલય ખાતે પરિવર્તન ઘડિયાળ પણ લગાવવામાં આવી હતી તે બંધ કરી દેવામાં આવી હતી જેમ જેમ ચુંટણીના પરિણામ આવતા ગયા તેમ તેમ કોંગ્રેસના કાર્યકરોમાં નિરાશા છવાઇ ગઇ હતી અને કોંગ્રેસ કાર્યાલય સન્નાટો છવાઇ ગયો હતો અને કોંગ્રેસ કાર્યાલયમાં કોઇ વરિષ્ઠ નેતા પણ હાજર રહ્યાં ન હતાં.