
લોક્સભા ચૂંટણી પહેલા કોંગ્રેસે નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી અને ચૂંટણીને લઈ કવાયત શરૂ કરી દીધી છે. આ તરફ ભાજપે પણ લોક્સભા ચૂંટણી પહેલા આવતીકાલે ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોની એક બેઠક બોલાવી છે. આ બધાની વચ્ચે વડોદરાથી રાજકારણને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અહીં કોંગ્રેસના એક કાર્યક્રમમાં કોંગ્રેસ નેતાએ ભાજપના વખાણ કર્યા હતા.
વડોદરાના પાદરામાં કોંગ્રેસનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અર્જુનસિંહ પઢિયાર સહિતના કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન બન્યું એવું કે, કોંગ્રેસ નેતાએ ભાજપ ના વખાણ કર્યા હતા. કોંગ્રેસના સ્નેહમિલન સંમેલનમાં અર્જુનસિંહ પઢિયારનો ભાજપ પ્રેમ છલકાતા અનેક ચર્ચાઓને વેગ મળ્યો છે. કોંગ્રેસ નેતાએ ભાજપની ચૂંટણી રણનીતિના વખાણ કર્યા હતા.
કોંગ્રેસ નેતા અર્જુનસિંહ પઢિયારે સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપની પ્રશંસા કરી હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસ નેતા અર્જુનસિંહ પઢિયારે ભાજપની ચૂંટણી રણનીતિના વખાણ કરતાં કહ્યું કે, ભાજપ અગાઉથી તૈયારીઓ કરે છે માટે જીત થાય છે. આ સાથે તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ ૫૯ મહિના ખેસ બાજુ પણ જોતા નથી.
કોંગ્રેસ નેતા અર્જુનસિંહ પઢિયાર જિલ્લા પંચાયતની વડુ સીટ પરથી સદસ્ય છે. આ સાથે અર્જુનસિંહ અગાઉ વડોદરા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે. આ તરફ કોંગ્રેસના સ્નેહમિલનમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં ૫૯ મહિના ખેસ બાજુ જોતા નથી અને કોંગ્રેસ ચૂંટણીના એક મહિના પહેલા ઘરમાંથી ખેસ ધોઈને પહેરે છે. હાલ તો કોંગ્રેસના જાહેર મંચ પરથી કોંગ્રેસ નેતાનો જ ભાજપની વાહવાહી કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.