કોંગ્રેસના મહાઅધિવેશન વચ્ચે નક્સલીવાદીઓએ ૨ દિવસમાં ૫ જવાનોનો લીધો જીવ, બસ્તરમાં હાઈ એલર્ટ

બસ્તર,

એક તરફ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં જ્યાં કોંગ્રેસનું ત્રણ દિવસનું મહાઅધિવેશન ચાલી રહ્યું છે જેમાં દેશના તમામ દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ છત્તીસગઢ પહોંચી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના આ અધિવેશન વચ્ચે નક્સલવાદીઓ છેલ્લા બે દિવસથી બસ્તરમાં તબાહી મચાવી રહ્યા છે. ડિવિઝનના અલગ-અલગ જિલ્લાઓમાં નક્સલવાદી ઘટનાઓમાં પાંચ જવાનોએ જીવ ગુમાવ્યો છે.

સુકમા જિલ્લામાં પોલીસ-નક્સલી અથડામણમાં ૩ જવાન શહીદ થયા બાદ કાંકેર જિલ્લામાં નક્સલીઓએ બીજી ઘટનાને અંજામ આપતાં એક મેળામાં રજા પર ઘરે આવેલા સેનાના જવાનને ગોળી મારી દીધી હતી જ્યારે ત્રીજી ઘટનાને નક્સલવાદીઓએ રવિવારે સવારે નારાયણપુરમાં અંજામ આપ્યો હતો. જ્યાં નક્સલવાદીઓએ પેટ્રોલિંગ પર નીકળેલા સીએએફ જવાનોને નુક્સાન પહોંચાડવા માટે IED  બ્લાસ્ટ કર્યો હતો. આ આઇઇડીની ઝપેટમાં CAFના એક હેડ કોન્સ્ટેબલનું મોત થઈ ગયુ હતું. ફેબ્રુઆરી મહિનાથી નક્સલવાદીઓ તેમના ટીસીઓસી અભિયાનમાં બસ્તર ડિવિઝનના વિવિધ જિલ્લાઓમાં એક બાદ એક નક્સલ ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં જ નક્સલવાદીઓએ ત્રણ બીજેપી નેતાઓની હત્યા કરી હતી અને ત્યાર બાદ સતત પોતાની હાજરી દર્શાવીને તેઓ ડિવિઝનના જુદા જુદા જિલ્લાઓમાં ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.

સુકમા જિલ્લાના જગરગુંડા વિસ્તારમાં શનિવારે સૈનિકો પર આઇઇડી બ્લાસ્ટ અને ગોળીબાર થયો હતો જેના કારણે ૩ જવાનોની શહીદી બાદ આખું બસ્તર શોકના વાતાવરણમાં ડૂબી ગયું હતું. તે દરમિયાન શનિવારે સાંજે જ કાંકેર જિલ્લામાં નક્સલવાદીઓએ વાષક મેળામાં સામેલ થવા આવેલા આર્મીના જવાનની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. પોલીસે જણાવ્યું કે, નક્સલવાદીઓની સ્માલ એક્શન ટીમે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

બીજી તરફ નક્સલવાદીઓએ રવિવારે સવારે નારાયણપુર જિલ્લાના ઓરછા રોડ પર બોતમપારા પાસે IED  બ્લાસ્ટ કર્યો હતો અને CAF ની ૧૬મી બટાલિયનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે તૈનાત સંજય લકડાનું આ IED ની ઝપેટમાં મોત થયું હતું. નારાયણપુરના એસપી પુષ્કર શર્માએ જણાવ્યું કે, જવાનોની એક સંયુક્ત ટીમ આ વિસ્તારમાં પેટ્રોલિંગ માટે નીકળી હતી તે દરમિયાન નક્સલવાદીઓએ પહેલાથી જ તે વિસ્તારમા આઇઇડી લગાવી દીધું હતું અને આ દરમિયાન CF જવાન સંજય લકડાના પગ આ આઇઇડીની લપેટમાં આવી ગયો અને બ્લાસ્ટ થવાથી જવાન ગંભીર રીતે ઘાયલ થયઈ ગયો અને તેમનું મોત થઈ ગયુ હતું.

૨ દિવસથી વધી રહેલી ઘટનાઓને લઈને બસ્તર ડિવિઝનના તમામ પોલીસ કેમ્પ, પોલીસ સ્ટેશન અને ચોકીઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે જ જવાનોનું પેટ્રોલિંગ વધારવા માટે સૂચના આપવામાં આવી છે. આઈજીએ કહ્યું કે નક્સલવાદીઓના આ કાયરતાપૂર્ણ કૃત્યોનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.