કોંગ્રેસના નેતાઓ ગાઝા પર ઘણું બોલતા હતા પરંતુ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર પર મૌન સેવી રહ્યા છે,ઠાકુર

લોક્સભામાં બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે શુક્રવારે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાયું. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી ગાઝાને લઈને ચિંતિત છે પરંતુ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર પર મૌન જાળવી રાખે છે. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા દ્વારા બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડાને અભિનંદન આપ્યા અને કહ્યું કે ત્યાંના આપણા હિંદુઓ અને લઘુમતીઓની સુરક્ષા અને વિકાસ સુનિશ્ર્ચિત થવો જોઈએ પરંતુ કોંગ્રેસે તેમ કર્યું નથી.

ઠાકુરે કહ્યું કે કોંગ્રેસ અયક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડાને અભિનંદન આપતી વખતે હિન્દુઓ અને લઘુમતીઓની સુરક્ષાનો ઉલ્લેખ પણ કર્યો નથી. તેમણે કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે જ્યારે વિપક્ષના નેતા અને કોંગ્રેસ અયક્ષે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડાને અભિનંદન આપ્યા ત્યારે તેઓએ ત્યાંના હિંદુઓની સુરક્ષા વિશે વાત કરી નહીં. તેમણે પૂછ્યું કે એવી કઈ મજબૂરી હતી કે તેઓ હિંદુઓ અને લઘુમતીઓની સુરક્ષા વિશે વાત ન કરી શક્યા, જ્યારે કોંગ્રેસે ગાઝા વિશે મોટી મોટી વાતો કરી.

તમને જણાવી દઈએ કે શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે ગુરુવારે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા હતા. મોહમ્મદ યુનુસે શપથ લીધા બાદ પીએમ મોદીએ તેમને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે પીએમ મોદીએ બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પર થયેલા હુમલા સામે અવાજ ઉઠાવ્યો હતો અને મોહમ્મદ યુનુસને તેમની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા વિનંતી કરી હતી.

બીજી તરફ લોક્સભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ મોહમ્મદ યુનુસને અભિનંદન પાઠવ્યા હતા. જો કે, તેમણે પોતાના અભિનંદન સંદેશમાં બાંગ્લાદેશમાં હિંદુઓ અને લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારો પર કંઈ કહ્યું ન હતું. ભાજપનો આરોપ છે કે કોંગ્રેસના તમામ નેતાઓએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર સામે એક પણ શબ્દ બોલ્યો નથી. આ જ કારણ છે કે ભાજપ સતત કોંગ્રેસને નિશાન બનાવી રહ્યું છે.