રાજકોટ,
વિધાનસભા ચૂંટણીના પરિણામો જેમ જેમ આવી રહ્યા છે તેમ તેમ કોંગ્રેસ છાવણીમાં ઘોર નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અત્યાર સુધીમાં જાહેર થયેલા પરિણામો પર એક નજર કરવામાં આવે તો કોંગ્રેસના ગઢ રીતસરના ધરાશાયી થઈ જવા પામ્યા છે. અત્યાર સુધી અમરેલી, ધોરાજી, ઉના, પડધરી, મોરબી સહિતની બેઠકો કોંગ્રેસના ગઢ ગણાતાં હતા અને અહીં કોંગ્રેસના જ ઉમેદવારો જીતતા આવ્યા છે પરંતુ આ વખતની ચૂંટણીમાં જાણે કે પરિવર્તન આવ્યું હોય તેમ તમામ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો સડસડાટ આગળ ચાલી રહ્યા છે.
અમરેલી બેઠક ઉપર પરેશ ધાનાણી, ધોરાજી બેઠક ઉપર લલિત વસોયા, ઉના બેઠક પરથી પૂંજા વંશ, પડધરી-ટંકારા બેઠક ઉપર લલિત કગથરા સતત પાછળ ચાલી રહ્યા હોવાથી હવે તેમનું જીતવું લગભગ અશક્ય બની ચૂક્યું છે. બીજી બાજુ સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, મોરબી સહિતની બેઠકો એવી છે જ્યાં ૨૦૧૭માં ભાજપની માંડ માંડ એન્ટ્રી થઈ શકી હતી ત્યાં અત્યારે ભાજપ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.
એકંદરે જોવા જઈએ તો અમરેલી, ધોરાજી, ઉના, પડધરી-ટંકારા સહિતની બેઠકો ઉપર આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ખાસ્સો ફરક પડ્યો છે અને કોંગ્રેસના ગઢ તૂટવામાં આપનો સિંહફાળો દેખાઈ રહ્યો છે. અનેક બેઠકો એવી છે જ્યાં અત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારો બીજા તો કોંગ્રેસના ઉમેદવારો ત્રીજા ક્રમે ધકેલાઈ ગયા છે.
આ સ્થિતિ જોતાં લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે હવેની ગુજરાતની તમામ ચૂંટણી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જ લડાય તો નવાઈ પામવા જેવું નહીં રહે અને કોંગ્રેસને લોકો માત્ર અપક્ષ ગણીને જ આગળ ચાલશે !! હવે જોવાનું એ રહ્યું કે પરિણામના અંતે કોંગ્રેસના ફાળે કેટલી બેઠક આવે છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો કેટલી બેઠક જીતી શકે છે. આ બધાનો જ ફાયદો ભાજપને અવશ્ય મળી રહ્યો છે અને પક્ષ ઐતિહાસિક જીત તરફ સડસડાટ આગળ વધી રહ્યો છે.