અમદાવાદ,
કોંગ્રેસ બે દિગ્ગજ નેતા અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ અને ઈન્દ્રનીલ રાજ્યગુરુ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. ભાજપ દ્વારા ઈન્દ્રનીલ રાજ્યગુરુ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરાઈ હતી. તો દરિયાપુરના કોંગ્રેસના ઉમેદવારે પત્રિકામાં ચૂંટણીનો સમય ખોટો દર્શાવ્યો હોવાથી તેમની સામે ફરિયાદ થઈ છે.
અમદાવાદમાં દરિયાપુર કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ સામે ફરિયાદ નોંધાઈ છે. મદદનીશ ચૂંટણી અધિકારીએ તેમની સાથે ફરિયાદ નોંધાવી છે. ગ્યાસુદ્દીને ચૂંટણી પ્રચાર માટે છપાયેલી પત્રિકામાં મુદ્રકનું નામ, સરનામું અને સંખ્યા નિયમ મુજબ ન દર્શાવ્યુ હોવાનું ફરિયાદમા જણાવાયું છે. મતદાન ઓછું થાય તે ઈરાદા સાથે સમય ૮થી ૬ નો દર્શાવ્યો હોવાનું કારણ અપાયું છે. ત્યારે આ મામલે માધવપુરા પોલીસે ગ્યાસુદ્દીન શેખ સામે ફરિયાદ નોંધાવી છે. સાથે જ ચિરાગ પ્રિન્ટર્સના મુદ્રક-પ્રકાશક સામે પોલીસે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે કાર્યકરો દ્વારા નિયમની જાણકારી વિના શરત ચૂકથી પત્રિકા છપાવી હોવાનો ગ્યાસુદ્દીન શેખે હકીક્તલક્ષી જવાબ રજૂ કર્યો હતો.
જાહેર ચૂંટણી સભામાં વિવાદિત નિવેદન આપતા ભાજપે ચૂંટણીપંચમાં રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુ સામે ફરિયાદ કરી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. કોંગ્રેસના રાજકોટ ૬૮ બેઠકના વિધાનસભા ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ભાજપે કહ્યું કે, ઇન્દ્રનીલ રાજગુરુએ આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો છે. પોતાની જાહેર સભા દરમિયાન ‘જય જય કાર કરું છું હું મહાદેવનો જય જય કાર કરું છું’ જેવા શબ્દો ઉચ્ચારવા બદલ આ ફરિયાદ કરાઈ હતી.
રાજકોટ પૂર્વ બેઠકના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ દેવપરા(જંગલેશ્ર્વર) વિસ્તારની જાહેરસભામાં કહ્યુ હતું કે, અજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે. મારી દ્રષ્ટિએ મહાદેવ અને અલ્લાહ એક જ છે. આ સાથે જ સભામાં અલ્લાહ-ઉ-અકબરનો ઇન્દ્રનીલ રાજગુરૂએ નારો લગાવ્યો હતો. ત્યારે આ નિવેદનનો વીડિયો વાયરલ થયો હતો. આ વિશે ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યુ હતું કે, હું હિન્દૂ-મુસ્લિમ એક્તા ઇચ્છુ છું. ભાજપ દ્વારા આ કલીપ વાયરલ કરવામાં આવી રહી છે. આખી સ્પીચ સાંભળજો મારો કહેવાનો અર્થ શું છે.