નવીદિલ્હી, લોક્સભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને તારીખો પણ જલ્દી જ જાહેર કરવામાં આવશે. એવામાં હવે કોંગ્રેસ લોક્સભા ચૂંટણીને લઈને પોતાનું ઘોષણાપત્ર જાહેર કરવા જઈ રહી છે. એક બેઠક બાદ કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીનો મેનિફેસ્ટો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. હાલમાં ઉમેદવારોના નામને લઈને પાર્ટીની અંદર મંથન ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં કોંગ્રેસ લોક્સભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી શકે છે.
એ વાત તો જાણીતી જ છેકે અત્યારે દરેક રાજકીય પક્ષોએ પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે અને ઉમેદવારનું નામ ફાઇનલ કરવાની સાથે રણનીતિ ઘડવા માટે પણ વિચાર-મંથન ચાલી રહ્યું છે. એવામાં હવે દરેક પાર્ટીનું મેનિફેસ્ટો સૌથી મહત્વપૂર્ણ છે. દરમિયાન કોંગ્રેસની મેનિફેસ્ટો કમિટીની છેલ્લી બેઠક સોમવારે સાંજે મળી હતી. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ મેનિફેસ્ટો યુવાનો, મહિલાઓ, ખેડૂતો, પછાત લોકો અને ગરીબો પર ફોક્સ કરી શકે છે.
માનવામાં આવે છે કે પાર્ટી મેનિફેસ્ટોમાં અગ્નિવીર યોજના બંધ કરવા જેવા મુદ્દાઓ પણ સામેલ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસ એઆઇ દ્વારા મોટા પાયે પ્રચાર કરવાની તૈયારી કરી રહી છે.
મેનિફેસ્ટોમાં મોટી સંખ્યામાં નોકરીઓ આપવાનું વચન આપવાની સાથે અગ્નવીર યોજના બંધ કરવાનું અને જૂની ભરતી યોજનાને ફરીથી શરૂ કરવાનું વચન પણ સામેલ થઈ શકે છે. કોંગ્રેસ પેપર લીકને રોકવા માટે કડક સજાની વાત કરી શકે છે. આ સાથે જ મહિલાઓના સશક્તિકરણ પર પણ બહાર આપી શકે છે. આ માટે તેઓ સીધા મહિલાઓના ખાતામાં વધુ પૈસા નાખવાનું વચન આપી શકે છે. ઉપરાંત ૪૫૦ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું અને બસની મુસાફરીમાં ડિસ્કાઉન્ટ આપવાનું વચન પણ આપી શકે છે. ખેડૂતોની સીધી લોન માફીને બદલે એમએસપીની ગેરંટીનું વચન અને ખેડૂતોના સાધનો પરથી ય્જી્ દૂર કરવા અથવા ઘટાડવાનું વચન આપી શકે છે. સાથે જ મોંઘવારીમાંથી મુક્તિ મેળવવા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાની વાત પણ મેનિફેસ્ટોમાં કહી શકે છે.
એ વાત જાણીતી જ છે કે ૨૦૧૪ અને ૨૦૧૯માં કોંગ્રેસનું પ્રદર્શન બહુ સારું નહોતું તેથી આ વખતે પાર્ટી મેનિફેસ્ટો દ્વારા લોકોને પાર્ટીનું વિઝન જણાવવા માંગે છે. હાલમાં કોંગ્રેસે ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા નથી. જ્યારે ભાજપે ૧૯૫ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.